બલિયા ગોળીકાંડના મુખ્ય આરોપી ધિરેન્દ્રસિંહની લખનઉથી ધરપકડ

બલિયાકાંડના મુખ્ય આરોપી ધિરેન્દ્ર પ્રતાપસિંહને એસટીએફએ દબોચી લીધો છે. છેલ્લા ત્રણ દિવસથી તે ફરાર હતો. મળતી માહિતી માહિતી મુજબ સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમે આજે સવારે બલિયાકાંડના મુખ્ય આરોપી ધિરેન્દ્રસિંહની લખનઉથી ધરપકડ કરી લીધી.

આ અગાઉ બલિયા ગોળીકાંડના મુખ્ય આરોપી ધિરેન્દ્રસિંહ પર જાહેર કરેલા ઈનામની રકમને યુપી પોલીસે વધારી દીધી હતી. અત્યાર સુધીમાં ૮ આરોપીઓ અને લગભગ ૨૫ અજ્ઞાત આરોપીમાંથી ફક્ત ૭ જણ પકડાયા છે. પોલીસના જણાવ્યાં મુજબ પકડાયેલા આરોપીઓ પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદા અને ગેંગસ્ટર એક્ટ હેઠળ કાર્યવાહી થશે. આરોપીઓની શોધમાં પોલીસની ૧૦ ટીમો કામે લાગી હતી.

ધિરેન્દ્રસિંહ અગાઉ ફક્ત બે નામજદ આરોપીઓ દેવેન્દ્ર પ્રતાપસિંહ અને નરેન્દ્ર પ્રતાપસિંહની ધરપકડ થઈ હતી. આ બંને મુખ્ય આરોપીઓ ધિરેન્દ્ર પ્રતાપસિંહના ભાઈ છે. કહેવાય છે કે આરોપી ધિરેન્દ્ર પ્રતાપસિંહ સેનાનો રિટાયર્ડ જવાન છે. તે ભૂતપૂર્વ સૈનિક સંગઠનની બેરિયા તહસીલ શાખાનો અધ્યક્ષ પણ છે.