રાજકોટના માઈભક્તે અંબાજી મંદિરને સવા કિલો સોનાનું ગુપ્ત દાન કર્યું

હાલમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે, ત્યારે આજે સવારે રાજકોટના એક માઈભક્ત દ્વારા અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી માટે સવા કિલો ઉપરાંતનું સોનું માતાજીને ભેટમાં ધર્યું છે. માઈભક્તે પોતાનું નામ ગુપ્ત રાખીને અંદાજે કિમંત રૂ. ૬૮, ૨૦,૮૭૫ની કિમંતનું સોનું માતાજીના નિજ મંદિરમાં પૂજા-અર્ચના કરીને માતાજીને અર્પણ કર્યું હતું.

વર્તમાન સમયમાં કોરોનાની કપરી સ્થિતિ ચાલી રહી છે ત્યારે અંબાજી મંદિરમાં આજે આવેલું સોનાનું દાન એ આ વર્ષનું સૌથી મોટું દાન માનવામાં આવી રહૃાું છે. એટલું જ નહીં, આજે પોતાનું નામ ગુપ્ત રાખી ૧.૨૬૯ કિલોગ્રામ સોનું જે દાતાએ ભેટ કર્યું છે તેમણે અગાઉ પણ એક કિલો સોનું માતાજીના મંદિરને સુવર્ણમય બનાવવાની કામગીરી માટે અર્પણ કર્યું હતું, એમ અંબાજી મંદિરના હિસાબી અધિકારી સવજી પ્રજાપતિએ જણાવ્યું હતું. મંદિર ટ્રસ્ટ દ્વારા ૨૦૧૩માં ઓનલાઇન ગોલ્ડ ડોનેશન સ્કીમ મુકાઇ હતી,

જેને અમેરિકા, યુ.કે. ઓસ્ટ્રેલિયા સહિત દૃુનિયાના ૨૧થી વધુ દેશોમાંથી દેવસ્થાન ટ્રસ્ટને ઓનલાઇન, રોકડ, ચેક કે ડ્રાફટ તેમજ સોનાની લગડી સ્વરૂપે દાન મળેલું છે. દાન કરનારને મંદિર ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન રિસીટ પણ મળી જતી હતી. અગત્યની વાત એ છે કે જે લોકો કદી અંબાજી મંદિર પણ આવ્યા નથી એવા લોકોએ પણ વિદેશમાં બેઠા-બેઠા દાન કર્યું છે.