વડોદરામાં સિમેન્ટ કોંક્રિટ મિક્ષરની અડફેટે યુવાનનું મોત

વડોદરા શહેરના સમા તરફ જવાના મંગલ પાંડે રસ્તા પર અગોરા મોલ પાસે લોકોએ ભેગા થઈને સ્પીડ બ્રેકર મૂક્યું હતું. તે સોમવારે પાલિકાએ હટાવી લેતા હોબાળો થયો હતો અને સ્પીડ બ્રેકર હટાવતા જ આજે સવારે સિમેન્ટ કોંક્રિટ મિક્ષરની અડફેટે એક બાઇક ચાલક આવી જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વડોદરાના સમા અગોરા મોલ પાછળ બનેલા પ્રધાનમંત્રી આવાસ હેઠળના મકાનોના રહીશોની વર્ષ-૨૦૧૭-૧૮થી વારંવારની રજૂઆત છતાં તંત્ર દ્વારા ધક્કાઓ ખવડાવવામાં આવતા હતા. આખરે ત્યાંના રહીશો દ્વારા સ્વયં લોકફાળો એકત્રિત કરીને પોતાના ખર્ચે લોકોના બચાવ અર્થે સ્પીડ બ્રેકર બનાવવામાં આવ્યું હતું.

જે તંત્રના અધિકારીઓએ ઉપરી અધિકારીઓના મૌખિક આદેશથી સોમવારે તોડી પાડવામાં આવ્યું હતું. જેનો વિરોધ સ્થાનિક અગ્રણી મુન્નાભાઇ તથા વડોદરા શહેર કોંગ્રેસ મંત્રી દિપક દેસાઇ દ્વારા કરવામાં આવ્યો હતો. તંત્ર સ્પીડ બ્રેકર બનાવવામાં આટલું ઉદાસીન વલણ રાખે અને ઉપરી અધિકારીના આદેશનું ત્વરિત પાલન કરે એ વાત કેટલા હદે વ્યાજબી ગણાય? એમ પ્રશ્ર્ન કર્યો હતો તથા આવનારા દિૃવસોમાં જો આ જગ્યાએ કોઈ અકસ્માત થશે તો આ મૌખિક આદેશથી સ્પીડ બ્રેકર તોડનાર અધિકારીની જવાબદૃારી રહેશે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

સોમવારે કોર્પોરેશનના તંત્ર દ્વારા લોકો દ્વારા મૂકવામાં આવેલું સ્પીડ બ્રેકર હટાવી દેવામાં આવ્યું અને આજે સવારે જ સિમેન્ટ કોંક્રિટ મિક્ષરની ટ્રકના ડ્રાઈવરે ગફલતભરી રીતે ચલાવી બાઇક લઈને ત્યાંથી પસાર થતાં સમા-સાવલી રોડ નંદાલય સોસાયટીના રહેવાસી ઉર્શિલ દેસાઇ નામના યુવાનને આડફેટમાં લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. જેથી લોકોમાં આક્રોશ ફેલાયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇને કાર્યવાહી હાથ ધરી છે.