લૂંટ અને ઘરફોડ ચોરીમાં કુખ્યાત બે રીઢા આરોપીઓ ૧૨ લાખના સોના સાથે ઝડપાયા

ફિલ્મોમાં જેવા વિલન જોવા મળતા હોય છે તેવા જ કુખ્યાત શખ્સો સમાજમાં પણ અસ્તિત્વ ધરાવે છે. હકિકતે તો ફિલ્મોમાં સમાજમાં બનતી ઘટનાઓનો અરીસો જ દેખાડવામાં આવતો હોય છે ત્યારે સુરતમાં પણ આવા જ બે ફિલ્મી વિલન જેવા લુખ્ખા તત્વોને પોલીસે ઝડપી પાડ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે ખૂન, અપહરણ, લૂંટ અને ઘરફોડ ચોરીમાં કુખ્યાત બે રીઢા આરોપીને ઝડપી પાડયા છે. ઝડપાયેલા આરોપીઓમાં અમરિંસહ ઉર્ફે અમ્મુ ભીમસીંહ રાજપૂત તથા જગદીશ ઉર્ફે જે.કે. ઉર્ફે જેડી તારાજી લોહાર પાસેથી સોનાના ઘરેણાં રૂ.૧૨ લાખ, રોકડ ૪.૧૫ લાખ, ૭ મોબાઇલ ૪૭ હજાર, ડોંગલ અને બેગ સહિત ૧૬.૬૪ લાખનો મુદામાલ કબજે કર્યો છે.

એક માસ પહેલા મહિધરપુરાની હદમાં આ ટોળકીએ સહયોગ સોસાયટીમાંથી ૯૦ હજારની ચોરી કરી હતી. અગાઉ ભેરારામ ઉર્ફે ભરત મેઘવાડ પકડાયો હતો. ત્યાર બાદ ટોળકીએ બેંગલોરમાં ઝવેરાતની દુકાનમાંથી ૧ કિલો સોનુ અને રોકડની ચોરી હતી. રાજસ્થાનમાં પણ ૨૦૧૯માં ચોરી કરી હતી. બંને ચોર પકડાતા બેગ્લોર, રાજસ્થાનનો ગુનો ઉકેલાયો હતો. અમર ચોરીના કેસમાં અને જગદીશ ચોરી તેમજ આર્મ્સ એકટના ગુનામાં નાસતા ફરતા હતા.

૧૬ વર્ષની ઉમરે પહેલી ચોરી કરી, ૨૬ વર્ષની ઉમરે અત્યાર સુધીમાં ૩૭ ગંભીર ગુનાઓને અંજામ આપ્યો નામ અમરસિંહ ઉર્ફે અમ્મુ ભીમસીંહ રાજપૂત, ઉ.વ. ૨૬, કામ-ચોરી-લૂંટફાટ, હત્યા, અપહરણ જેવા ગંભીર ગુનાઓ કરવાનું, રહેવાસી સરસપુર, અમદાવાદ અને મૂળ રહેવાસી રાજસ્થાન સિરોહીના જાવાલ ગામનો. આ રીઢાચોરે વર્ષ ૨૦૧૦માં ૧૬ વર્ષની ઉમરે કોટડા પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ચોરી કરવાની શરૂઆત કરી હતી.