રાત્રી કફર્યૂમાં તસ્કરો ૧૯ લાખની લક્ઝુરિયસ કાર ચોરી ગયા, ચોરી સીસીટીવીમાં કેદ

સુરત શહેરમાં ઠંડીની શરૂઆત થતાની સાથે તસ્કરોએ પોતાનો કસબ અજમાવાનો શરૂ કરી દીધો છે. સુરતના સિંગણપોર વિસ્તારમાં ચોરોનો આતંક સામે આવ્યો છે. કોરાનાના કારણે ચાલી રહેલા કફર્યૂ દૃરમિયાન ૧૯ લાખની લક્ઝુરિયસ કારની ચોરી સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. કારને હેક કરી ચોરી કરવામાં આવી હોવાનું કારના માલિકે ફરિયાદમાં નોધાવ્યું છે.

સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલી અક્ષરદિપ સોસાયટીમાં રાહુલ રામદેવભાઈ ભાદરકા પરિવાર સાથે રહે છે અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત રોજ રાત્રીના સમયે જાહેર રોડ પર તેમની ૧૯ લાખની ફોર્ચ્યુન લક્ઝુરિયસ કાર પાર્ક કરેલી હતી. રાત્રી દરમિયાન કેટલાક તસ્કરો સ્વિફટ કારમાં આવ્યા હતાને ક્ષણભરમાં આ કારની ચોરી કરી ભાગી છુટ્યા હતા. ચોરી કરવા આવેલા તસ્કરો નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. કારના માલિકે સવારે કારની તપાસ કરતા કાર મળી ન હતી. જેથી ચોકબજાર પોલીસમાં ૧૯ લાખની કાર ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં કારને હેક કરી, ગાડીનું લોક તોડી અથવા ડુપ્લિકેટ ચાવીથી લોક ખોલી ચોરી કરી હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ શરુ કરી છે