રાજકોટમાં લોકડાઉન બાદ કરિયાણા દુકાન ન ચાલતા યુવાને કૂટણખાનુ શરૂ કર્યું- ધરપકડ

રાજકોટના સત્યનારાયણ પાર્કમાં રહેતા પારસ ચુનિલાલ શાહ ભાડે કરિયાણાની દૃુકાન ચલાવતો હતો. પરંતુ લોકડાઉન બાદ ધંધો ચાલતો ન હોવાથી કૂટણખાનાનો ધંધો શરૂ કર્યો હતો. આ અંગેની જાણ એ ડિવીઝન પોલીસને થતા ડમી ગ્રાહક મોકલી રેડ પાડી હતી. જેમાં પારસ ૧૦ હજાર રૂપિયા લેતો અને ૫ હજાર પોતે રાખી બીજા ૫ હજાર રૂપલલનાએ આપતો હોવાનું ખુલ્યું હતું. તેમજ સ્ત્રી મિત્ર પાસે જ દેહવ્યાપારનો ધંધો કરાવતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે પારસની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. શહેરના માલવીયા ચોકમાં આવેલા પ્રમુખ સ્વામી આર્કેડમાં નવમાં માળે આવેલી હોટલ તિલકમાં ગોરખધંધા ચાલતા હોવાની બાતમી એ.ડિવિઝન પોલીસને મળી હતી.

આથી પોલીસે ડમી ગ્રાહક મારફત સંપર્ક કરાવાતા પારસે હોટલમાં રૂમ બુક કરાવાનું કહૃાું હતું. પોલીસે ડમી ગ્રાહક મારફતે માલવીયા ચોકમાં આવેલી હોટલ તિલકમાં રૂમ બુક કરાવ્યો હતો. બાદમાં પારસનો સંપર્ક કરાતા તે રૂપલલના સાથે ત્યાં પહોંચ્યો હતો. બુક કરાવેલા રૂમમાં કે જ્યાં ડમી ગ્રાહક હાજર હતો ત્યાં રૂપલલના જતાની સાથે જ પોલીસે દરોડો પાડી પારસને પકડી લીધો હતો. આ અંગે પોલીસે પારસ વિરૂદ્ધ ધી ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્સી એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપીએ રૂપલલના સાથે શરીર સંબંધ બાંધવા ૧૦ હજારમાં વાત નક્કી કરી હતી.

જેમાંથી પાંચ હજાર તે પોતાની પાસે જ્યારે અડધી રકમ રૂપલલનાને આપવાનો હતો. આ શખ્સને શાપરમાં કરીયાણાની દુકાન આવેલી છે. પરંતુ લોકડાઉન બાદ ધંધો ન ચાલતા તેણે આ ધંધામાં ઝંપલાવ્યું હતું. જે યુવતી અહીં મોકલી હતી તે તેની મિત્ર જ હોવાનું માલુમ પડ્યું હતું. આરોપી ત્રણેક માસથી આ કારસ્તાન આચરતો હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસે આરોપી પાસેથી રૂ. ૧૦ હજાર રોકડા અને ૪ મોબાઈલ કબ્જે કર્યા હતા.