રાજકોટમાં બોગસ આધારકાર્ડ બનાવવાનું કૌભાંડ, મંત્રી વિરલ ભટ્ટની ધરપકડ

રાજકોટમાંથી બોગસ આધારકાર્ડ બનવવાના કૌભાંડનું ભુત ફરી ધણધણી ઉઠ્યું છે. જો કે આ વખતે આ કૌભાંડને લઇને કોંગ્રેસ કાર્યાલય સુધી તાર પહોંચતા ખળભળાટ મચી ગયો છે. બોગસ આધારકાર્ડ બનાવાના કૌભાંડને લઇને મનપાના કોંગ્રેસ કાર્યાલયના મંત્રી વિરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત મળતી વિગત અનુસાર વિદેશી નાગરિકોને આધારકાર્ડ બનાવી આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આધારકાર્ડ બનાવવા મુદ્દે અગાઉ પણ ૨ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હવે મનપાના કોંગ્રેસ કાર્યાલયના મંત્રી વિરલ ભટ્ટની ધરપકડ કરવામાં આવતા આ કૌભાંડમાં અન્ય કોઇ મોટા માથાની સંડોવણી સામે આવે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે.

રાજકોટ પોલીસના સકંજામાં રહેલા આ બે શખ્સોના નામ છે પ્રકાશ મારવીયા અને સાગર રાણપરા. આ બંન્ને શખ્સો પર આરોપ છે ભારતીય નાગરિક ન હોવા છતા પણ આધારકાર્ડ કાઢી આપવાનો. રાજકોટના રૈયા રોડ પર આવેલા જનસુવિધા કેન્દ્ર પર ૧૫૦૦ રૂપિયા લઇને આ શખ્સોએ મૂળ નેપાળના રહેવાસીનું આધારકાર્ડ કાઢી આપ્યું હતું. જેની પોલીસને જાણ થતા પોલીસે ત્યાં દરોડો કરીને બંન્ને પકડી પાડ્યા હતા. પોલીસના કહેવા પ્રમાણે આ બંન્ને શખ્સોએ અત્યાર સુધીમાં ૩૦થી ૪૦ આધારકાર્ડ કાઢી આપ્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું.