રાજકોટમાં પોતાના મામાજીની પુત્રી સાથે દુષ્કર્મ આચરનાર જમાઇ ઝડપાયો

આરોપી મોરબીના કાગદડી ગામનો રહીશ છે જેનું સાસરું ગોંડલના દેવચડી ગામમાં છે. આરોપીની તેની પત્ની રીસામણે હોવાથી તે વીરપુરમાં પોતાના મામાજી સસરાને ત્યાં આવી અને તેમને જણાવ્યું હતું કે પોતે નવી કાર લીધી છે જે પોતાની પત્નીને દેવચડી ગામે બતાવવા જવાનું છે. નવી કારને કુંવારી કન્યાના હાથે શગુનનું તિલક કરાવવાનું કહી તે મામા સસરાની પુત્રીને પોતાની સાથે લઇ ગયો હતો. મામાજીએ પણ જમાઈને ખોટું લાગશે તેમ વિચારી પોતાની દસ વર્ષની પુત્રીને તેની સાથે મોકલી હતી.

બાળકી ઘરે આવતા જ બેહોશ જેવી થઈ જતા તેને તરત જ વીરપુર સરકારી હોસ્પીટલમાં લઈ જવામાં આવી હતી જ્યાં ડૉકટરે તેના પર દુષ્કર્મ થયું હોવાનું જણાવતા પરિવારજનોની પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બીજી બાજુ બાળકીની હાલત વધુ બગડતા તેને સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવી હતી. આ અંગે મામાજીએ જમાઈને ફોન કરતા તે પીડિત બાળકીના પરિજનોને મારી નાંખવાની ધમકી આપવા લાગ્યો. વીરપુર પોલીસે પોક્સો એક્ટ હેઠળ દુષ્કર્મની ફરિયાદ નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

એએસપી સાગર બાગમારે આરોપીને તાત્કાલિક ઝડપી લેવા માટેની કામગીરી એલસીબીને સોંપતા આરોપી તેના ગામ કાગદડીથી ઝડપાયો હતો. આરોપી ઝડપાઇ ગયાની જાણ બાળકીના વિસ્તારવાસીઓને થતાં સ્થાનિક મહિલાઓનું ટોળું નરાધમ હાય હાયના નારા લગાવતું પોલીસ સ્ટેશને આવી ’આરોપી અમને સોંપી દો, સજા અમે આપીશું’ ની માગ કરી હતી. પોલીસે મહિલાઓને સખત સજાની બાંહેધરી આપતાં ટોળું ત્યાંથી વિખેરાયું હતું.