રાજકોટમાં આધારકાર્ડ કાઢી આપવાના ગોરખધંધાનો પર્દાફાશ: બેની ધરપકડ

આજે તમે ગમે તે જગ્યા જાઓ તો ડોક્યુમેન્ટ માટે આધારકાર્ડ ફરજિયાત માગે છે. તેવામાં આધાર કાર્ડ દરેક ભારતીય માટે ખુબ જ મહત્વનું બની રહૃાું છે. તેવામાં રાજકોટમાં ભારતના રહેવાસી ન હોય તેવાં લોકોના નકલી દસ્તાવેજોના આધારે આધારકાર્ડ કાઢી આપવાના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે બે શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ૧૫૦૦ રૂપિયા લઇને આધારકાર્ડ કાઢી આપતા હોવાનું ખૂલ્યું છે.

રાજકોટ પોલીસે આધાર કાર્ડ કૌભાંડમાં પ્રકાશ મારવીયા અને સાગર રાણપરાની ધરપકડ કરી છે. આ બંને શખ્સો ભારતીય ન હોય તેવાં વિદેશી લોકો પાસેથી પૈસા લઈને આધાર કાર્ડ કાઢી આપતાં હતાં. રાજકોટના રૈયા રોડ પર આવેલા જનસુવિધા કેન્દ્ર પર ૧૫૦૦ રૂપિયા લઇને આ શખ્સોએ મૂળ નેપાળના રહેવાસીનું આધારકાર્ડ કાઢી આપ્યું હતું. જેની પોલીસને જાણ થતા પોલીસે ત્યાં દરોડો કરીને બંન્ને પકડી પાડ્યા હતા.પોલીસના કહેવા પ્રમાણે આ બંન્ને શખ્સોએ અત્યાર સુધીમાં ૩૦ થી ૪૦ આધારકાર્ડ કાઢી આપ્યા હોવાનું તપાસમા ખૂલ્યું છે.

પોલીસના કહેવા પ્રમાણે આધારકાર્ડ માટે કોઇ ડોક્યુમેન્ટ ન હોય તો તેના માટે સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ ફોર્મ રાખવામાં આવ્યુ છે. આ ફોર્મમાં માન્ય ધારાસભ્ય, કોર્પોરેટર અને ગેઝેટેડ ઓફિસરના સહી સિક્કાના આધારે આ ફોર્મમાં વિગત ભરવાથી આધારકાર્ડ નીકળે છે. આ બંન્ને શખ્સો પરિચિત કોર્પોરેટરોનાં સહી સિક્કા કરાવીને આધારકાર્ડ કાઢતા હોવાનું સામે આવ્યુ છે. હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે અને છેલ્લા એક વર્ષમાં આ રીતે કેટલાં લોકોને આધારકાર્ડ કાઢી આપ્યા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.