બેરોજગારોને રોજગાર મળે ત્યાં સુધી મહિને રૂ. ૧,૫૦૦ આપવાનું કોંગ્રેસનું વચન

બિહાર ચૂંટણી: કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો

ખેડૂતોને ઋણ માફી, મફત વીજળીનો વાયદો કર્યો

બિહારમાં આગામી મહિને યોજાનારી વિધાનસભા ચૂંટણીને પગલે કોંગ્રેસે બુધવારે પોતાનો મેનીફેસ્ટો (ચૂંટણી ઢંઢેરો) જાહેર કર્યો છે. કોંગ્રેસે બિહાર ચૂંટણી ઢંઢેરાના બદલાવ પત્ર ૨૦૨૦ નામ આપ્યું છે. આ ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે બિહારમાં સત્તામાં આવશે તો ખેડૂતોને ઋણ માફી અને મફત વીજળી આપવાનો વાયદો કર્યો છે. આ ઉપરાંત કોંગ્રેસે પોતાના ઢંઢેરામાં છાપેલા નેતાઓની તસવીરોમાં આરજેડીના તેજસ્વી યાદવને પણ સ્થાન આપ્યું છે.

પટણામાં બિહાર કોંગ્રેસ કાર્યાલય સદાકત આશ્રમમાં ચૂંટણી ઢંઢેરાના જાહેર કરતા પાર્ટીના નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો ખેડૂતોનું ઋણ માફ કરશે અને મફત વીજળી પૂરી પાડશે. આ ઉપરાંત ખેડૂતોના પાકની યોગ્ય કિંમત આપવા પણ કામ કરશે. પંજાબની જેમ કેન્દ્રના કાયદાને રદ કરવામાં આવશે.

કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસિચવ રણદીપ સુરજેવાલાએ જણાવ્યું કે રૂ. ૨૪ હજાર કરોડની નલ સે જલ યોજનાનો ભ્રષ્ટાચાર આપણે જોયો. બિહારમાં રાઈટ-ટુ-વોટર અર્થાત પાણીનો અધિકાર (સરદાર વલ્લભભાઈ પટેલ શુદ્ધ જળ યોજના) મળશે. બિહારમાં કેજીથી પીજી સુધી દીકરીઓનું શિક્ષણ મફતમાં થશે. આ ઉપરાંત રાજ બબ્બરે જણાવ્યું કે, જો કોંગ્રેસ સત્તાં આવશે તો રોજગારી મળે ત્યાં સુધી બેરોજગારોને પ્રતિ માસ રૂ. ૧,૫૦૦ સરકાર ચુકવશે. નવી સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં ૧૦ લાખ રોજગારીની તક પુરી પાડવાનો નિર્ણય લેવાશે.

બીજીતરફ કોંગ્રેસના નેતા તારિક અનવરે જણાવ્યું કે આજે શિક્ષણ માટે બિહારના વિદ્યાર્થીઓ બહાર જવા મજબૂર છે. મુખ્યમંત્રીએ હાથ જોડીને પટણા યુનિવર્સિટીને કેન્દ્રીય યુનિવર્સિટી બનાવવા અનુરોધ કર્યો પરંતુ વડાપ્રધાને તેમની વાત સાંભળી નહીં. તેમણે જણાવ્યુંકે ધો. ૧૨માં ૯૦ ટકા સાથે ઉત્તિર્ણ થનાર વિદ્યાર્થીનીઓને સરકાર સ્કૂટી આપશે.