પર્યાવરણ મંત્રાલયમાં ગુજરાત સરકારની અરજી પેન્ડિંગ છતાં કરાયું સી-પ્લેનનું ઉદ્ઘાટન..!

દેશના પ્રથમ સી-પ્લેન સેવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યુ છે. કેવડિયાથી સાબરમતી રિવરન્ટ વચ્ચે સી-પ્લેનનો આજથી પ્રારંભ કરાયો છે. જોકે, અંદર કી બાત એ છેકે, કેન્દ્રીય વન-પર્યાવરણ મંત્રાલયે સી-પ્લે ન માટે એનવાયરમેન્ટ ક્લિયરન્સ આપ્યુ નથી. એટલું જ નહીં, વોટર એરોડ્રામ માટે જરૂરી પ્રક્રિયા સુધ્ધાં હાથ ધરાઇ નથી.આમ છતાંય સી-પ્લેનનું ઉદઘાટન કરી દૃેવાયુ છે. ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયાથી રિવરફ્રન્ટ સુધી સી-પ્લેનમાં સવારી હતી. સી-પ્લેન માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી , શેત્રૂંજય ડેમ અને પાલીતાણા ડેમમાં વોટર એરોડ્રામ બનાવવા આખીય પ્રક્રિયા ગુજરાત સરકારે પર્યાવરણ મંત્રાલયમાં ૨૨મી એપ્રિલે અરજી કરી હતી. તે વખતે પર્યાવરણ મંત્રાલયની એકસપર્ટ કમિટીએ આ ત્રણેય સ્થળો માટે પર્યાવરણીય અસર અહેવાલ (એનવાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ) તૈયાર કરવા જણાવ્યુ હતું

જેમાં આ પ્રોજેક્ટથી જૈવિક વિવિધત અને પ્રાણીઓને કોઇ અસર પહોંચે છે કે કેમ તે જાણી શકાય. ઉલ્લેખનીય છે કે આ અહેવાલ રજૂ થયા બાદ જનસુનામણી હાથ ધરવાની હોય છે. સાથે સાથે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે પણ આ અહેવાલ આધારે જનસુનાવણી કરવી પડે જેથી લોકો વાંધા સુચનો રજૂ કરી શકે. પર્યાવરણ અસર અહેવાલ પ્રદુષણ નિયંત્રણ બોર્ડે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ય આપવો પડે. પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિનું કહેવુ છેકે, પર્યાવરણ અસર અહેવાલ વિના સી-પ્લેનનું ઉદઘાટન કરી શકાય નહીં કેમ કે,પર્યાવરણ મંત્રાલયમાં ગુજરાત સરકારની અરજી પેન્ડિંગ છે.મંત્રાલયે એનવાયરમેન્ટ કલિયરન્સ જ આપ્યુ નથી. ગુજરાત સરકારે પણ ઇઆઇએ રિપોર્ટ તૈયાર કર્યો નથી ત્યારે ગુજરાત સરકારના એવિએશન વિભાગે જ કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયના નોટિફિકેશન ૨૦૦૬ના નિયમોનુ સરેઆમ ઉલ્લેઘંન કર્યુ છે તેમ કહીએ તો ખોટુ નથી.

વોટર એરોડ્રામ માટે કોઇ પણ જાતની પ્રક્રિયા હાથ ધરાઇ નથી. હજુ પર્યાવરણ મંત્રાલયમાં વોટર એરોડ્રોમને લઇને ગુજરાત સરકારની અરજી પેન્ડિંગ છે. આમ, સી-પ્લેનના ઉદઘાટનને લઇને ફરી એકવાર વિવાદ વકરે તેવી શક્યતા જોવાઇ રહી છે. વર્ષ ૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણીઓ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સી-પ્લેન શરૂ કરવા વચન આપ્યુ હતું. જોકે, એવુ જાણવા મળ્યુ છેકે, શેંત્રૂજય ડેમ, પાણીતાણા ડેમ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સી-પ્લેન પ્રોજેક્ટને લઇને ગુજરાત સરકારે વન પર્યાવરણ મંત્રાલયમાં અરજી કરી હતી પણ અમદાવાદ રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રોમ બનાવવા અરજી કરવાનુ ય ભૂલાઇ ગયુ હતું. આખરે આ બાબત ધ્યાને આવતાં ૨૭મી ઓગષ્ટે પર્યાવરણ વિભાગમાં અરજી કરવામાં આવી હતી.