છેલ્લા 25 દિવસથી સરધાર રેન્જમાં સિંહ ત્રિપુટીના આંટાફેરા, કાલે પડવલાની સીમમાં દેખાયા હતા

રાજકોટ જિલ્લામાં છેલ્લા 25 દિવસથી સિંહ ત્રિપુટીએ ધામા નાખ્યા છે. છેલ્લા 20-25 દિવસથી સરધાર રેન્જમાં સિંહો આંટાફેરા કરી રહ્યાં છે. ગઈકાલે સિંહો પડવલાની સીમમાં જોવા મળ્યાં હતાં. સિંહના આગમમને લઈને એક તરફ ખેડૂતોમાં ખુશી છે પણ બીજી તરફ ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. 2 સિંહ વાડી વિસ્તારમાં આરામ ફરમાવતા જોવા મળ્યાં હતાં. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ગીર અભયારણ્ય તથા આસપાસના વિસ્તારોમાં વસવાટ કરતા સાવજોનું લોકેશન જાણવા માટે રેડિયો કોલર લગાવવાનો પ્રોજેકટ હાથ ધરાયો હતો. રાજકોટના સીમાડે આવી ચડેલા ત્રણ સાવજોનું લોકેશન રેડિયો કોલરના આધારે સરળતાથી ટ્રેસ થતું રહ્યું છે. વન વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ત્રણમાંથી એક નર સિંહના ગળે રેડિયો કોલર છે અને એના આધારે ગતિવિધિની માહિતી મળી જાય છે. તેમ છતાં વન વિભાગની ત્રણ ટીમ છેલ્લા 20 દિવસથી રાત-દિવસ સાવજ ત્રિપુટીની પાછળ જ છે.

સાવજોને પકડવા કે તેવી કોઈ કાર્યવાહી કરવાની થતી નથી, પરંતુ એના લોકેશન ટ્રેસ કરતા રહીને ગતિવિધિ પર વોચ રાખવામાં આવી રહી છે.શનિવારે વહેલી સવારે વાછરડાઓના મારણ કર્યા બાદ હાલ સિંહ ત્રિપુટી આરામ ફરમાવી રહી છે. 24 કલાકમાં રેવન્યૂ વિસ્તારમાં એકપણ મારણ કર્યું નથી. બીજી તરફ વીડી વિસ્તારમાં સાવજોને જોઈને કેટલાક શ્વાનોએ એકઠા થઈ કનડગત શરૂ કરી હતી. જેથી કંટાળી જઈને સિંહે શ્વાનો પર હુમલો કર્યો હતો અને 10 શ્વાનને મારી નાખ્યા હતા. તમામના શરીરમાં સિંહના વિશાળ પંજાના નિશાન હતા તેમજ એક પણ શ્વાનને સિંહે ખાધો નથી. સૂત્રો મુજબ આ સિંહની સામાન્ય પ્રકૃતિ છે શ્વાન જેવા પ્રાણીઓ કનડગત કરતા હોય છે પણ જ્યારે હદ કરતા આગળ વધે એટલે સિંહ તેમની પર તૂટી પડે છે.25થી વધુ દિવસથી રાજકોટના સીમાડા ખુંદી રહેલા સાવજોને ગીર કેમ ખસેડવામાં આવતા નથી તેવો સવાલ લોકોમાં ઊઠી રહ્યો છે. સિંહ ત્રિપુટીના આંટાફેરાથી ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભયનો માહોલ સાથે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે કાનૂની જોગવાઈ એવું સૂચવે છે કે સાવજોને ગમે ત્યારે અને ગમે ત્યાં વિહરવાની છૂટ છે.

કોઈ ચોક્કસ કારણ વિના એમને પકડી શકાતા નથી કે પાંજરે પૂરી શકાતા નથી, આથી સિંહો પોતાની રીતે સ્થળાંતર ન કરે ત્યાં સુધી રાજકોટના સીમાડામાં વિહરવા દેવામાં આવશે. એશિયાઈ સિંહોની વસતિ ધરાવતા એકમાત્ર ગીર અભયારણ્યના બે નર અને એક માદા સિંહ 20 દિવસથી વધુ રાજકોટની ભાગોળે વિહરતા જોવા મળી રહ્યા છે. જો કે સિંહ પરિવારના આંટાફેરાથી એક તરફ સ્થાનિકોમાં ભયનો માહોલ પણ છે અને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. સરધાર રેન્જમાં ધામા નાખેલા સિંહોનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં 2 સિંહો ખેતરની વચ્ચે આરામ ફરમાવતા જોવા મળી રહ્યાં છે. આ વીડિયો એક રાહદારીએ પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો. જે વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.રાજકોટના પાદરમાં ધામા નાખેલ સિંહો ત્રણેય નર હોવાનું સાસણની આવેલી ખાસ ટ્રેકિંગ ટીમે જાહેર કર્યું છે.

એક સિંહને કોલર હોવાથી તેના પર ઓબ્ઝર્વેશન કર્યા બાદ ટીમ સાસણ પરત રવાના થઈ હતી. આ દરમિયાન સાવજો હવે પડવલાની વીડીમાં આગળ વધ્યા છે. સિંહ જેમ જેમ આગળ વધી રહ્યા છે તેમ તેમ વનવિભાગ પણ ગામોમાં ફરી રહ્યું છે. આસપાસના ગામોમાં સ્ટાફ પહોંચીને શિબિરનું આયોજન કરે છે, રાત્રિ સભા રાખે છે જેથી ગ્રામવાસીઓને સિંહ વિશે સાચી માહિતી આપીને ડર દૂર કરે તેમજ સિંહ આવે તો શું કરવું તેની માહિતી આપે છે. હાલ અલગ અલગ રેન્જના 25થી વધુ જવાનો દરેક શિફ્ટમાં ગામોમાં, વીડીમાં ફરજ બજાવી રહ્યા છે.