કોવિડ ડ્યુટીના પૈસાને લઇ અમદાવાદની જીસીએસ હોસ્પિટલના ડોક્ટર્સ હડતાળ પર

શહેરમાં કોરોનાની સ્ફોટક સ્થિતિ જોવા મળી રહી છે. શહેરની મોટાભાગની સરકારી હોસ્પિટલોમાં અફરાતફરી જેવી સ્થિતિ સર્જાઇ રહી છે. વધતાં દર્દીઓ સામે વેન્ટીલેટર અને ખાલી બેડ ખૂટી રહૃાાં છે, આવામાં જીસીએસ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાળ પર ઉતર્યા છે. તેઓ માગ કરી રહૃાાં છે કે, અભ્યાસની ફી ઘટાડવામાં આવે અને કોવિડ ડ્યુટીના પૈસા ચૂકવવામાં આવે.

અમદાવાદના અમદુપુરા વિસ્તારમાં આવેલી જીસીએસ હોસ્પિટલના ૭૦ જેટલાં ડોક્ટર્સે મેનેજમેન્ટ સામે બાંયો ચઢાવી છે. આ તમામ ડોક્ટર્સ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે. આ ડોક્ટર્સનું કહેવું છે કે, હોસ્પિટલ દ્વારા મેડીકલની માસ્ટર ડિગ્રી માટેના અભ્યાસ માટે વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા વસૂલવામાં આવે છે. સાથે જ માસ્ટર ડિગ્રીના રેસડેન્ટ ડોક્ટર્સ પાસેથી સ્પેશિયાલિટી સિવાયનું કામ પણ કરાવવામાં આવે છે. ડોક્ટર્સ પાસે કોવિડ અને નોન કોવિડ તેમ બન્ને ડ્યુટી કરાવવામાં આવી રહી છે.

ડોક્ટર્સ માગ કરી રહૃાાં છે કે, અભ્યાસની ફી ઘટાડવામાં આવે અને સરકારીની ગાઇડલાઇન પ્રમાણે તેમને કોવિડ ડ્યુટી માટે ભથ્થુ આપવામાં આવે. છેલ્લા છ મહિનાથી ડોક્ટર્સ દ્વારા હોસ્પિટલના મેનેજમેન્ટને આ અંગે રજૂઆત કરવામાં આવી રહી છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ જવાબ ન મળતાં તેઓ છેવટે હડતાળ પર ઉતર્યા છે.