એએમસીમાં સફાઈ કામદાર તરીકે ૨૨ વર્ષ સુધી ખોટા સર્ટિફિકેટ પર ભાણેજે મામીના વારસદાર બની નોકરી કરી

મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ હેઠળ કામ કરતા સફાઈ કામદારો પોતાના મનસ્વી રીતે કામ કરતા હોવાનું તેમજ પોતાના માણસોને ગોઠવતા હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે. કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી મામાના વારસદાર તરીકે ભાણેજે નોકરી મેળવી લીધી હતી. ૨૨ વર્ષ સુધી ભાણેજે કોર્પોરેશનમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરી હતી.

આટલા વર્ષ સુધી કોર્પોરેશનના એકપણ અધિકારીના ધ્યાને આ વાત આવી ન હતી. બાદૃમાં પુત્રવધુએ આ મામલે કોર્પોરેશનમાં ફરિયાદ કરતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. વર્ષ ૧૯૯૦માં કોર્પોરેશનમાં કુબેરનગર વોર્ડમાં નોકરી કરતા લક્ષ્મીબેન સોલંકીનું અવસાન થયું હતું. વારસદાર તરીકે પુત્ર અથવા પુત્રીને નોકરી મળે છે પરંતુ તેઓના પુત્ર અને પુત્રી સગીરવયના હોવાથી તેઓએ વારસદાર તરીકે નોકરી મળે તેમ ન હતું.

દરમ્યાનમાં લક્ષ્મીબેનના ભાણેજ મુકેશ કાંતિભાઈ રાઠોડે નવસારી નગરપાલિકાનું ખોટું જન્મનું પ્રમાણપત્ર અને અટક બદલી લક્ષ્મીબેન પુત્ર કિરણ સોલંકીના નામે કોર્પોરેશનમાં નોકરી મેળવી લીધી હતી. લક્ષ્મીબેનના પતિની મદદથી મુકેશે ખોટું એફિડેવિટ પણ કોર્પોરેશનમાં રજૂ કરી દીધું હતું. ૨૨ વર્ષ સુધી મુકેશ રાઠોડે કોઈપણ ડર વગર કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરી હતી. કોર્પોરેશનના અધિકારીઓને આ બાબતે ગંધ પણ આવી ન હતી.

દરમિયાનમાં કિરણભાઈની પુત્રવધૂએ આ બાબતે કોર્પોરેશનમાં ફરિયાદ કરી હતી કે મુકેશ રાઠોડ તેના પતિના નામે નોકરી કરે છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતું ઉઘતું ઝડપાયા બાદ શો કોઝ, ચાર્જશીટ અને ફાઈનલ શો કોઝ ફટકાર્યા બાદ તેઓએ અપીલ કમિટીમાં રજુઆત કરી છે. ભાજપના કોર્પોરેશનના સત્તાધીશો સામે રજૂઆત કરતા આગામી ૪ નવેમ્બરે નિર્ણય લેવાય તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના હેઠળ આવતા સફાઈ ખાતામાં અનેક કૌભાંડો ચાલે છે.

અનિયમિત નોકરી, બદલી, ગેરહાજરી છતાં હાજર બતાવવા સહિતના કૌભાંડ આચરવામાં આવે છે જો કે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી સૌનો વિકાસ થઈ રહૃાો છે.