અમદાવાદ એરપોર્ટ સોંપતાં અદાણીને પહેલાં ૨૨ કરોડનો ટેક્સ ભરવા નોટિસ

અમદાવાદ એરપોર્ટ શનિવારે અદાણીને સોંપાશે ત્યારે મ્યુનિ.એ એરપોર્ટ સંકુલનો બાકી રહેલો ૨૨.૫૬ કરોડનો પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવા નોટિસ પાઠવી છે. અદાણીને એરપોર્ટ સોંપાય તે પહેલાં બાકી રહેલો ટેક્સ ૭ દિવસમાં ભરપાઈ કરવામાં નહીં આવે તો કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જો કે, આ નોટિસ મળતાં જ ગુરુવારે એરપોર્ટ ઓથોરિટી દ્વારા મ્યુનિ.ને ટેક્સ ભરી દેવા ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા ૧૦ વર્ષથી એરપોર્ટ ટર્મિનલનો ટેક્સ બાકી છે.

ગત વર્ષથી મ્યુનિ.એ તેની આકારણી કરવાનું શરૂ કર્યું હતું. આ પછી એરપોર્ટ ઓથોરિટીએ અઢી કરોડ જેટલો ટેક્સ ભર્યો હતો. પરંતુ હજુ પણ ૨૨.૫૬ કરોડનો ટેક્સ બાકી છે અને એરપોર્ટ અદાણીને સોંપવાનું હોવાથી મ્યુનિ.એ ઉઘરાણી કરી છે, ૭ દિવસમાં એરપોર્ટ ઓથોરિટી ટેક્સ ભરે અથવા ટેક્સ અદાણી કે એરપોર્ટ ઓથોરિટી ભરપાઈ કરશે તેનું અંડરટેકિંગ મ્યુનિ.એ માગ્યું છે. અમદાવાદથી બુધવારે સવારે ૮ વાગે દિલ્હી જતી ગોએરની લાઈટ જી૮ ૭૧૪માં ટેકનિકલ ખામી સર્જાતા ૧૦૦ પેસેન્જરો એરપોર્ટ પર અટવાઈ ગયા હતા.

એરલાઈન્સના એન્જિનિયરો દ્વારા ખામી દુર કરવાની કોશિષ કરવા છતાં મોડું થતાં ફલાઈટ રદ કરાઈ હતી. ૪૦ પેસેન્જરને અન્ય ફલાઈટમાં દિલ્હી મોકલાયા હતા. ખામી દુર થતાં આ ફલાઈટ ૧૨ કલાક મોડી લગભગ સાંજે ૭.૫૦ વાગે દિલ્હી જવા રવાના થઈ હતી.