અમદાવાદમાં વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ, એક યુવતી સહિત ત્રણની ધરપકડ

અમદાવાદ શહેરમાં વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો છે. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે વિક્ટરી વર્લ્ડ નામની એપ બનાવી પોન્ઝી સ્કીમ ચલાવનારી ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા ત્રણ મહિનાથી આ સ્કીમ ચલાવી રહૃાાનું ધ્યાનમાં આવ્યું છે. આ સ્કીમ ચલાવવા બદલ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે અખ્તરહુસેન ખાન, પૂજાસિંઘ અને સુનિલ યાદવની ધરપકડ કરી છે. આ કેસમાં કંપનીનો ડિરેક્ટર આશિષ પટેલ હાલ ફરાર છે.

આરોપીઓ શહેરમાં ગેઈમ્સ ફોર વિક્ટરી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ખોલી હતી. જેના ઓથા હેઠળ વિક્ટરી વર્લ્ડ નામની એપ્લિકેશન બનાવી હતી. જેમાં ગેમ રમાડવાના બહાને રોકાણની સ્કીમ ચલાવી રહૃાા હતા. આ સ્કીમમાં રોકાણના એક ટકા લેખે રોજનું વળતર આપવાની લાલચ આપતા હતા.

મળતી માહિતી પ્રમાણે ક્રાઈમ બ્રાંચને એક અરજદાર તરફથી રજુઆત કરવામા આવી હતી કે વસ્ત્રાપુરના અભીશ્રી ટાવરમાં પોન્ઝી સ્કીમ ચાલી રહી છે. ત્યાર બાદૃ ક્રાઇમ બ્રાંચે રેડ કરીને તપાસ કરતા ત્રણ આરોપી મળી આવ્યા હતા. તપાસ કરતા સામે આવ્યું હતું કે, આરોપીઓએ છેલ્લા ત્રણ મહિનામાં ૫૦ લાખ રૂપિયા જેટલું રોકાણ કરાવ્યું હતું. કંપનીના ૫૦ જેટલા સભ્યો નોંધાયા છે.