હિમાલયની પહાડીઓ વચ્ચે મોરારીબાપુની ૮૫૦મી રામકથા યોજાઈ

હિમાલયની ગોદમાં આવેલા રમણીય પ્રાકૃતિક અને આધ્યાત્મિક ઉર્જા ધરાવતા ઉત્તરાખંડના વિશ્ર્વપ્રસિદ્ધ પર્યટન સ્થળ મસૂરીમાં ગિરીકંદરાઓમાં તજગાજરડી વ્યાસપીઠ ઉપરથી પૂજ્ય મોરારી બાપુની ૮૫૦મી રામકથા ચાલી રહી છે. કોરોના સંદર્ભે કેન્દ્ર સરકાર અને ઉત્તરાખંડ રાજ્ય સરકારના દિશા-નિર્દૃેશોનું પાલન કરતાં સીમિત સંખ્યામાં શ્રોતાઓને રામકથામાં સામેલ થવાની અનુમતિ છે. જોકે, જે શ્રોતાઓ પ્રત્યક્ષ રીતે કથાનો લાભ લઇ શક્યાં નથી. તેઓ સોશિયલ મીડિયાના માધ્યમથી રામકથાનો લ્હાવો લઇ રહૃાાં છે.

૩૧ ઓક્ટોબરે શરૂ થયેલી કથાના પ્રારંભે બાપુએ જણાવ્યું હતું કે, આજની રાત અમૃતપૂર્ણિમા કહેવાય છે અને ભૂગોળ પણ કહે છે કે, આજની રાતનો ચંદ્ર રસનો વરસાદ કરે છે. આજે કૃષ્ણએ રાસની રાત પસંદ કરી હતી. તેમણે કથાનો વિષય માનસ વાલ્મિકીય રાખવાનો વિચાર કર્યો. વાલ્મિકી નહીં, પરંતુ વાલ્મિકીય. અહીં બે મહાનગ્રંથો વાલ્મિકીય રામાયણ અને તુલસીજી કૃત રામચરિત માનસનો તુલનાત્મક અભ્યાસ તો નહિ, પણ તુલનાત્મક દર્શન કરીશું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે,

વાલ્મિકી અથવા વાલ્મિક શબ્દ રામચરિત માનસમાં સાત વખત ઉચ્ચારિત થયો છે. વાલ્મિકીય રામાયણ અને તુલસીકૃત રામચરિત માનસનું તાત્વિક, સાત્વિક અને વાસ્તવિક દર્શન કરાવતા બાપુએ ઉમેર્યું હતું કે, વાલ્મિકીએ પણ સાત જ કાંડ લખ્યાં છે પણ ત્યાં લંકાકાંડ નહીં પણ યુદ્ધકાંડ નામ છે. તુલનાત્મક દર્શન કરાવતા બાપુએ જણાવ્યું હતું કે, રામચરિત માનસમાં સંક્ષિપ્ત આખા રામાયણનો સાર અંતે છે. વાલ્મિકીયમાં એ પ્રથમ છે.