સોખડામાં ગેસ રિફિલીંગ થતું હોવાની શંકાએ એસઓજીના દરોડા, ૪ શખ્સો ઝડપાયા

રાજકોટના સોખડાથી ધમલપર જવાના રસ્તા પર સરકારી ખરાબામાં એક ટ્રક, બે છકડો રિક્ષા અને એક ઓટો રિક્ષા સાથે ગમારા ગેસ એજન્સીના ગેસના ૮૦થી વધુ બાટલાના જથ્થા સાથે ૪ શખ્સોને ઝડપી પાડ્યા છે. ગેસ રિફિલીંગ થતું હોવાની શંકાએ એસઓજીની ટીમે ચારેયને ડિટેઇન કરી પુરવઠા તંત્રને જાણ કરી છે. ગમારા ગેસ એજન્સી સણોસરા ગામમાં આવેલી છે. ત્યારે તેનો ડિલિવરીમેન સહિતના શખ્સો ગેસના બાટલાના જથ્થા સાથે આ વિસ્તારમાં શું કરવા આવ્યા હતાં? રિફિલીંગ થયું હતું કે કરવાનું હતું?

તે અંગે પુરવઠા તંત્રએ તપાસ હાથ ધરી છે. એસઓજીની ટીમે બાતમીના આધારે તપાસ કરતા સોખડાથી ધમલપર જવાના રસ્તા પર સરકારી ખરાબામાં ગેસના ખાલી-ભરેલા બાટલાઓ સાથે ચાર શખ્સોને ઝડપી પાડ્યાં હતાં. ટ્રક ડ્રાઇવર ચેતન દાનાભાઇ મિયાત્રા, ગમારા ગેસ એજન્સીના ડિલીવરીમેન, છકડો ચાલક વિનોદ દેવાભાઇ ડાંગર, મજૂર તરીકે કામ કરતાં માંડણ વાઘાભાઇ બુકતરા અને નારણ વેજાભાઇ વરૂને એસઓજીની ટીમે સકંજામાં લઈ કાર્યવાહી હાથ ધરી હતી.

ટીમને એક ટ્રક, બે છકડો અને એક ઓટો રિક્ષા મળ્યા હતાં. જેમાં ૮૩ ભરેલા બાટલા અને ૯ ખાલી બાટલા હતાં. ગેસ એજન્સી સણોસરામાં છે. ત્યારે આ શખ્સો સરકારી ખરાબામાં બાટલાના જથ્થા સાથે શા માટે આવ્યા હતાં? તેની તપાસ કરાવવા પુરવઠા તંત્રને જાણ કરી છે.