સુરતમાં સૂર્યા મરાઠીના અંગત રાકેશ મારુની અજાણ્યા શખ્સોએ કરી હત્યા

સુરત શહેર જાણે ગુનાખોરીનું હબ બની ગયું હોય તેમ લાગી રહૃાું છે. રાંદેશ વિસ્તારમાં સૂર્યા મરાઠીના અંગત માણસ એવા રાકેશ મારુને બુધવારે રાત્રે અજાણ્યા લોકોએ રસ્તા પર જ ચપ્પુના ૨૦થી વધારે ઘા ઝીંકીને પતાવી દીધી હતી. આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. રાંદેર વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળાના ગેટ ખાતે જ માથાભારે કહેવાતા અને ફાઇનાન્સનો ધંધો કરતા રાકેશ મારુને જાહેરમાં ચપ્પુ જેવા હથિયારથી હુમલો કરી પતાવી દેવામાં આવ્યો હતો. જાહેરમાં થયેલી હત્યાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે પાલનપુર પાટીયા હાઉસિંગ બોર્ડ ખાતે બુધવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ માથાભારે શખ્સ ગણાતા અને સૂર્યા મરાઠાના નજીકના ફાઇનાસન્સર રાકેશ મારૂની જાહેર રસ્તા પર હત્યા કરી દેવામાં આવી હતી.

રાકેશ મારુને રસ્તા પર જ ચપ્પુના ૨૦થી વધારે ઘા ઝીકીંને ખૂબ જ બેરહેમીપૂર્વક પતાવી દેવામાં આવ્યો હતો. આ મામલે રાંદર પોલીસ વધારે તપાસ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે રાકેશ મારુ પર પાલનપુર પાટીયા ખાતે હાઉસિંગ બોર્ડમાં આવેલી ડી.આર. રાણા સ્કૂલ પાસે અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓ બાઇક પર આવ્યા હતા. તેઓએ શરૂઆતમાં રાકેશને માર માર્યો હતો અને બાદમાં તેને નીચે પાડી દઈને છરીના એક પછી એક ઘા ઝીંકી દીધા હતા. હુમલા બાદ અજાણ્યા ઇસમો બાઇક પર જ ભાગી ગયા હતા.

હુમલા બાદ રાકેશ મારુનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. પ્રેમિકાના મળવા ગયો હતો રાકેશ: એવું પણ કહેવામાં આવી રહૃાું છે કે માથાભારે યુવાનની છાપ ધરાવતો અને ફાઇનાન્સનો ધંધો કરતો રાકેશ મારુ રાંદેરમાં રહેતી પોતાની પ્રેમિકાને મળવા જતો હતો. આ દરમિયાન જ વચ્ચે તેના પર હુમલો થઈ ગયો હતો. હુમલા બાદ તેનું પ્રાણ પંખેરું ત્યાં જ ઉડી ગયું હતું. તેને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. રાકેશ મારુની હત્યા ધંધાની કે પછી અંગત અદાવત કે પછી પ્રેમ પ્રકારમાં કરવામાં આવી છે તે વાત તપાસ બાદ જ સામે આવશે. હાલ આ મામલે રાંદેર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ થયેલી હત્યાથી સમગ્ર વિસ્તારમાં તંગદીલી વ્યાપી ગઈ હતી. લોકોમાં ડર પણ ફેલાયો હતો.