સગી જનેતાએ ૮ વર્ષીય પુત્રની ભૂલ બદલ બાંધી ગરમ સળિયાના ડામ આપ્યા

પોતાના સંતાનનું ભવિષ્ય ઉજળું બને એ માટે માતા-પિતા નાની ઉંમરમાં જ બાળક સારા સંસ્કાર આપવામાં કોઈ જ કચાસ રાખતા નથી, જો પોતાનું બાળકે નાનપણમાં કોઈ મોટી ભૂલ કરી હોય અને ભવિષ્યમાં ફરી ભૂલ ન કરે એ માટે માતા-પિતા શાંતિથી સારી શિખામણ આપી પોતાના બાળકને સુધારવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ નર્મદા જિલ્લામાં એક ઘટના એવી ઘટી કે સગી જનેતાએ પોતાના ૮ વર્ષીય પુત્રની ભૂલ સુધારવા એને બાંધી ગરમ સળિયાના ડામ દીધા,આસપાસના લોકોએ આ ઘટનાની જાણ એને પિતાને કરી તો પિતાએ આવી પોતાના વ્હાલસોયા પુત્રને શારીરિક યાતનામાંથી છોડાવ્યો અને પોતાની પત્ની વિરુદ્ધ રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.

કળયુગી નિષ્ઠુર જનેતાના કારસ્તાનથી શહેરમાં માતા સામે ભારે નારાજગી છવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાના નવા ધાબા ફળિયામાં રહેતા ૨૮ વર્ષીય રવિ ચંપક વસાવાના લગ્ન નજીકમાં જ ટેકરા ફળિયામાં રહેતી જયશ્રી જયંતિભાઈ સોની સાથે થયા હતા, કોઈક કારણોસર બન્નેવના છુટા છેડા થઈ ગયા હતા. લગ્નજીવન દરમિયાન એમને પુત્ર રત્ન જન્મ્યો હતો, છુટા છેડા બાદ પુત્ર માતા જયશ્રી સાથે રહેતો હતો. બન્યું એવું કે ૮ વર્ષીય પુત્ર ક્યાંકથી કોઈક વસ્તુ ઘરમાં લઈ આવ્યો હશે, એ બાબતની જાણ એની માતા જયશ્રીબેનને થઈ.

પોતાના પુત્રની ભૂલ સુધારવા માતા જયશ્રીબેને પુત્રને શાંતિથી સમજાવવાની જગ્યાએ એને ઓઢણીથી રૂમમાં એક થાંભલે બાંધી દઈ ગરમ સળિયાથી શરીરે ડામ આપ્યા, અને ઘરની બહાર તાળું મારી પુરી દીધો, કોઈકે કદાચ નાના બાળકનો રડવાનો અવાજ સાંભળ્યો હશે અને આ ઘટના મામલે એના પિતા રવિ ચંપક વસાવાને ફોન કરી જાણ કરી, એ તુરંત ત્યાં આવી પહોંચ્યો અને પોતાના ૮ વર્ષીય પુત્રને શારીરિક યાતનામાંથી બચાવ્યો હતો. નાના બાળક સાથે આ રીતની શારીરિક યાતના ખરેખર નિંદનીય કહેવાય, કોઈ દયાહીન વ્યક્તિ જ આમ કરી શકે.

રવિ ચંપક વસાવાને આ મામલે પોતાની પૂર્વ પત્ની જયશ્રીબેન વિરુદ્ધ રાજપીપળા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી, પોલીસે આ ઘટના મામલે તપાસ કરી જયશ્રીબેન વિરુદ્ધ નાના બાળક પર શારીરિક યાતના ગુજારી ત્રાસ આપવા બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.