વેબ સિરીઝના આધારે ડૉક્ટર પુત્રને બંધક બનાવી લૂંટ કરનારો ઝડપાયો

થલતેજમાં ડોક્ટરના પુત્રને બંધક બનાવી ચકચારભરી લુંટ ચલાવનારા આરોપીને સોલા પોલીસે ઝડપી લઈને ૫૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી સીસીટીવીમાં ઝડપાઈ ન જવાય તે માટે કપડા, બાઈક અને હેલ્મેટ બદલતો રહેતો હતો. આરોપીએ ક્રાઈમ રિલેટેડ વેબ સિરીઝ જોઈને લુંટનો પ્લાન બનાવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. થલતેજમાં સોમવીલા બંગલોઝમાં રહેતા અને ઝાયડસ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર પ્રકાશભાઈ દરજીના ઘરમાં અજાણ્યા શખ્સે ચાકુ સાથે ઘુસી જઈને રોકડ રકમ અને દાગીનાની લુંટ ચલાવી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં સોલા પોલીસે તપાસ હાથ ધરીને એલિસબ્રિજમાં મણીયાર હાઉસમાં રહેતા નિરવ સુરેશભાઈ પટેલ(૨૭)ની અટક કરી હતી. તેની પાસેથી પોલીસે સોનાચાંદીના દાગીના એપલનું આઈપોર્ડ અને એપલની વોચ મળીને કુલ રૂ.૫૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પુછપરછમાં આરોપી નિરવ પટેલે અલગ અલગ ક્રાઈમ રિલેટેડ વેબ સિરીઝ જોઈને લુંટનો પ્લાન બનાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. સૌપ્રથમ તેણે પોતાના નજીકના કાકાના ઘરે લુંટનો પ્લાન બનાવ્યો હતો. કાકાના ઘરે વધુ કેશ હોવાની તેને જાણ હતી. લુંટ કરવા તેણે ઘરમાંથી છરી લીધી હતી અને ઘરના દરવાજાના હેન્ડલમાંથી પિસ્ટલ જેવું દેખાય તે આકારનું સાધન બનાવ્યું હતું. તે પાલડીથી પોતાના થલતેજમાં રહેતા કાકાને ઘરે લુંટ કરવા પણ ગયો હતો. જોકે તેમના ઘરે વધુ માણસો હાજર હોવાથી ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં તેણે થલતેજના સોમવીલા બંગલોઝમાં લુંટ કરવાનું નક્કી કર્યું હતું. પહેલા નિરવ પટેલ તેનું યામાહા બાઈક લઈને નહેરૂનગર ગોપાલ પેલેસના બેઝમેન્ટમાં ગયો હતો. જ્યાં પોતાનું જેકેટ ચેન્જ કરીને વાદળી કલરની ટીશર્ટ પહેરી લીધી હતી. તેણે બાજુમાં પડેલા સ્પ્લેન્ડર બાઈકને ડુપ્લીકેટ ચાવીથી ચાલુ કરી પોતાની હેલ્મેટ પોતાના બાઈક પર મુકી દીધી હતી.

બાદમાં સ્પ્લેન્ડર બાઈક પરનું હેલ્મેટ પહેરીને સોમવીલા બંગલોઝમાં લુંટ કરી હતી. બાદમાં સ્પ્લેન્ડર બાઈક થલતેજ ચાર રસ્તા પાસે ઉભુ રાથી લુંટ વખતે પહેરેલી વાદળી ટીશર્ટ ચેન્જ કરીને પટ્ટાવાળી ટીશર્ટ પહેરી લીધી હતી. બાદમાં નહેરૂનગર ગોપાલ પેલેસમાં સ્પ્લેન્ડર પાર્ક કરીને પોતાનું યામાહા બાઈક લઈને ઘરે જતો રહૃાો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૮ સપ્ટેમ્બરના રોજ ડોક્ટર પ્રકાશભાઈ દરજીનો પુત્ર ભવ્ય ઘરે હાજર હતો ત્યારે આરોપીએ ચાકુની ધાક બતાવીને બ્રેસલેટ અને ચેઈન લુંટી લીધી હતી. બાદમાં ઘરનોકરાણીને બાથરૂમમાં પુરી દીધી હતી. ઉપરાંત પાળેલા કુતરાને પણ બેડરૂમમાં બંધ કરી અંદાજે રૂ.૫૨,૦૦૦ ની માલમતાની લુંટ ચલાી હતી.