દશેરાના દિવસે અમદાવાદના ભક્તે ડાકોરમાં ૧,૧૧,૧૧,૧૧૧ રૂપિયાનું કર્યું દાન

યાત્રાધામ ડાકોરમાં વિજયદશમીના રોજ અમદાવાદના શ્રધ્ધાળુ કુટુંબ દ્વારા રણછોડરાય શ્રીના ચરણોમાં ૧,૧૧,૧૧,૧૧૧ની રોકડ રકમનું દાન અર્પણ કર્યું છે. અમદાવાદના ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ સુજલ રાજુભાઈ પટેલ દ્વારા તેમના પિતા સ્વ.રાજુભાઈ સોમાભાઈ પટેલની યાદમાં આ માતબર રકમનો ચેક મંદિરમાં શ્રીરણછોડરાય પ્રભુના ચરણોમાં અર્પણ કર્યો હતો. ડાકોરમાં દશેરાનો ખૂબ મોટો મહિમા છે. વિજયાદશમી નિમિત્તે યાત્રાધામ ડાકોરમાં શ્રી રણછોડરાય મંદિરમાં પરંપરા મુજબ વિધિવત શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી.

આજે વિજયાદશમીના દિને દશેરા મહોત્સવની તમામ પરંપરાની ઉજવણી ડાકોર રણછોડરાય પરિસરમાં કરવામાં આવી હતી. કોરાના મહામારી કાળને લઈ તમામ વિધિ બંધબારણે કરવામાં આવી હતી. આ પ્રસંગે રણછોડરાયજી મંદિરના ટ્રસ્ટી અગ્રણી સેવક આગેવાન તેમજ તાજેતરમાં જ અમૂલ ડેરીમાં બિનહરીફ ચેરમેન નિમાયેલ રામસિંહ પરમાર પણ ઉપસ્થિત રહૃાા હતા. દશેરાને વિજયાદશમીના રોજ ભગવાન રણછોડરાયજીને સવારે કેસર સ્નાન કરાવી શ્રી રામચંદ્ર પ્રભુના સ્વરૂપનો શૃંગાર અંગીકાર કરાવવામાં આવ્યો હતો.

પ્રભુના શાસ્ત્રોને ગોમતીના પવિત્ર જળથી અભિમંત્રિત કરી શસ્ત્રોનું વિધિવત પૂજન કરી શુધ્ધિકરણ કરાવવામાં આવ્યા હતા. રણછોડરાય મંદિરના ભંડારી મહારાજના હસ્તે આ વિધિવિધાન સંપૂર્ણ કરવામાં આવ્યું હતું. ડાકોર રણછોડરાય મંદિરના ધનુષ, બાણ ,ઢાલ, તાવદાન, સુતપાલ, પાલખી, ઘોડા સહિતના આયુધોનું સવારે રાજભોગ સમયે શસ્ત્ર પૂજન ઘુમ્મટમાં શ્રીજીમહારાજ સન્મુખ સંપન્ન કરવામાં આવ્યું હતું.