ટ્રેનમાં આવ્યો હતો હાર્ટઅટેક, ૭ વર્ષે રેલવેને આપવું પડશે ૬.૩૦ લાખ વળતર

ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ
ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ

ટ્રેનમાં ચઢતા જ હાર્ટઅટેકથી મોત થવાના મામલે કન્ઝ્યુમર ફોરમે પશ્ર્ચિમ રેલવેને મૃતકને ૬.૩૦ લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે. ગ્રાહક સુરક્ષા ફોરમે રેલવેના વર્તનને પણ બેદરકારીભર્યું જણાવ્યું હતું. આ મામલો ૨૦૧૩નો છે, જેમાં મહાનારાયણ પાંડેને ફિરોઝપુર જનતા એક્સપ્રેસમાં બેસતા જ હાર્ટઅટેક આવ્યો હતો.

મૃતકના પરિવારજનોએ સ્ટેશન માસ્તરે દર્દીને તાત્કાલિક મેડિકલ મદદ મળે તે માટે ટ્રેન નહોતી અટકાવી તેવી દલીલ સાથે રેલવે પાસેથી વળતરની માગ કરી હતી. જેના જવાબમાં પશ્ર્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે પેસેન્જરને મેડિકલ મદદ પૂરી પાડવી રેલવેની ફરજમાં નથી આવતું.

પશ્ર્ચિમ રેલવેએ દલીલ કરી હતી કે મૃતકે ટ્રેન ઉભી રાખવા માટે ના તો ચેઈન ખેંચી હતી કે પછી ના તો ટ્રેન વડોદરા સ્ટેશને જ ઉભી હતી ત્યારે તેમાંથી ઉતરવા માટે પ્રયાસ કર્યો હતો.

મૃતકના પરિવારજનો વતી દલીલ કરનારા પીવી મુરજાણીએ જણાવ્યું હતું કે રેલવેના સત્તાધીશો ટ્રેનને વડોદરા સ્ટેશને જ ઉભી રાખી શક્યા હોત કે પછી વિશ્ર્વામિત્રી સ્ટેશન પર તેને હોલ્ટ આપી શકાયો હોત. તેને બદલે તેમણે મિયાગામ કરજણ રેલવે સ્ટેશનના ડે. સ્ટેશન સુપ્રિન્ટેન્ડેન્ટને દર્દીને અટેન્ડ કરવા કહૃાું હતું. જોકે, ટ્રેન ત્યાં પહોંચી તેટલીવારમાં તો મહાનારાયણનું મોત થઈ ચૂક્યું હતું.

રેલવે દ્વારા એવી દલીલ પણ કરાઈ હતી કે દરેક ટ્રેનમાં અને સ્ટેશન પર ફર્સ્ટ એઈડ ફેસિલિટી હોય છે, જેનો મુસાફરો ઉપયોગ કરી શકે છે. જોકે, રેલવેની દલીલોને કન્ઝ્યુમર ફોરમે બેદરકારીભરી ગણાવી હતી.

કોર્ટે રેલવેને મૃતકને ૬.૩૦ લાખ રુપિયા ૭ ટકા વ્યાજ સાથે મૃતકના પરિવારજનોને ચૂકવવા આદેશ કર્યો હતો, સાથે જ ૧૦ હજાર રુપિયા કાયદાકીય ખર્ચ તરીકે આપવા પણ જણાવ્યું હતું.

આ કેસમાં સ્ટેશન માસ્તરે જણાવ્યું હતું કે મિયાંગામ કરજણ રેલવે સ્ટેશનને દર્દી અંગે જાણ કરતા જ તેમની ફરજ પૂરી થઈ ગઈ હતી. જોકે, કોર્ટે તેમની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે રેલવેએ આ ઘટનામાં મોટી બેદરકારી દાખવી છે.