ગૃહમંત્રી જાડેજા સામે ૨૦૦૭માં આચારસંહિતાના ભંગ બદલ નોંધાયેલી ફરિયાદ હાઈકોર્ટે રદ કરી

ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને હાઈકોર્ટે મોટી રાહત આપી છે. ૨૦૦૭માં આચારસંહિતા ભંગ બદલ પ્રદિપસિંહ જાડેજા સામે મેટ્રોપોલિટન કોર્ટે તેમની સામે ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો હતો. જેને પ્રદિપસિંહ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ત્યારે આજે હાથ ધરાયેલી સુનાવણીમાં હાઈકોર્ટે આ ફરિયાદ રદ કરી છે.
વર્ષ ૨૦૦૭માં વિધાનસભા ચૂંટણીમાં પ્રદીપસિંહ જાડેજાએ અસારવા બેઠક પરથી ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી. ૧૧ ડિસેમ્બર અને ૧૬ ડિસેમ્બરના રોજ મતદૃાન યોજાવાનું હોવાથી રાજ્યમાં આચારસંહિતા લાગુ હતી. નવરાત્રિ દરમિયાન ૧૦ ઓક્ટોબરના રોજ અસારવા વિસ્તારમાં ગરબાના આયોજન દરમિયાન પ્રદીપસિંહ દ્વારા મુદ્રક અને પ્રકાશકના નામના ઉલ્લેખ વગરની પત્રિકાઓનું વિતરણ કરાવવામાં આવ્યું હતું.

જેને કારણે તત્કાલીન શહેર કોંગ્રેસ પ્રમુખ પંકજ શાહે પ્રદીપસિંહ સામે આચારસહિતાનો ભંગની ફરિયાદ કરી હતી. ચૂંટણી ચાલતી હોવા છતાં પ્રદીપસિંહ પ્રચાર કરતા પેમ્ફલેટ વેચ્યા હતા. જેમા અસારવાના ધારાસભ્યના નામથી આપણું ગુજરાત, આપણું અસારવા નામે સ્લોગન લખ્યું હતું અને તેમા નરેન્દ્ર મોદી અને પ્રદીપસિંહ જાડેજાનો ફોટો હતો. કલેક્ટરે ગંભીરતાથી નોંધ લઇને અસારવાની ચૂંટણીપંચની કચેરીને કોર્ટમાં અરજી કરવા આદેશ કર્યો હતો. ત્યાર બાદ ૩૦ ડિસેમ્બરે મેટ્રોપોલિટન કોર્ટે પ્રદીપસિંહ જાડેજા સામે ફરિયાદ દાખલ કરવા આદેશ કર્યો હતો.