ઉ.પ્રદેશના મેરઠમાં મોટો વિસ્ફોટ: ૨ના મોત,અનેક મકાનોની છત ઉડી

ઉત્તર પ્રદેશના મેરઠમાં મોટી ઘટના ઘટી છે. સરઘનાના પીર જાદગાન મોહલ્લામાં આજે સવારે એક ધડાકો થયો હતો. જેના કારણે અનેક મકાનોની છત ઉડી ગઈ હતી. જેને લઈને અફરાતફરી મચી ગઈ હતી. જ્યારે આ ઘટનામાં ૨ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. તેમજ ડઝન જેટલા લોકો ઘાયલ થયા હતા. જ્યાં ધડાકો થયો ત્યાં ફટાકડા રાખવામાં આવ્યા હતા.

મેરઠના સરઘનાના પીર જાદગાન મોહલ્લામાં થયેલો ધડાકો બહું જબરજસ્ત હતો. માહિતી મળતાની સાથે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તેમણે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે મોહલ્લાને સીલ કરીને ઘટનાની તપાસ હાથ ધરી છે. કહેવામાં આવી રહૃાું છે કે આ ધમાકો એક પાર્ટીના પૂર્વ નગર અધ્યક્ષ આસિમનાં ઘરમાં લગભગ ૯ વાગ્યાની આસપાસ થયો હતો. ધમાકામાં આસપાસના ઘરોની છત પણ ઉડી ગઈ હતી.

મનાઈ રહૃાું છે કે ઘટનામાં આસિમનું ઘટના સ્થળે જ મોત થયું છે. જ્યાકે કાસિમે હોસ્પિટલમાં લઈ જતા સમયે શ્ર્વાસ છોડી દીધો હતો. આ ઉપરાંત ડર્ઝન જેટલા પડોશીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ ઘરમાં ફટાકડા રાખવામાં આવ્યા હતા. જેના કારણે ઘરમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટક દારુગોળો હતો.