પ્રીતિ ઝિન્ટાએ ૩૫ દિવસમાં ૨૦ વખત કરાવ્યો કોરોના ટેસ્ટ

આઈપીએલની ૧૩મી સીઝન દુબઇમાં ચાલી રહી છે જ્યાં કિંગ્સ ઈલવેન પંજાબની માલિક અને એક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટા પણ ટીમ સાથે હાજર છે. પ્રીતિએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે ખુદને કોવિડ ટેસ્ટ ક્વીન ગણાવી છે. આવું એટલા માટે કે તે દુબઇ પહોંચ્યા પહેલાંથી લઈને ૨૦ ઓક્ટોબર સુધી ૨૦ વખત કોરોના ટેસ્ટ કરાવી ચૂકી છે. દરેક વખત રિઝલ્ટ નેગેટિવ જ આવ્યું છે. પ્રીતિ ૧૫ સપ્ટેમ્બરથી યુએઈમાં છે.

પ્રીતિએ આ વીડિયો સાથે લખ્યું છે, દરેક મને પૂછે છે કે આઈપીએલ બાયો બબલમાં હોવાનો અર્થ શું છે. તો હું જણાવવા ઈચ્છું છું કે આ ૬ દિવસના ક્વોરન્ટીનથી શરૂ થાય છે. દર ૪ દિવસે કોવિડ ટેસ્ટ થાય છે. કોઈ બહાર નથી જતું, તમારો રૂમ, ગાડી, રેસ્ટરાં, જીમ અને સ્ટેડિયમ બસ. ડ્રાઈવર, કુક પણ બાયો બબાલમાં છે. બહારનું જમવાનું, લોકોને મળવાનું બંધ છે. મારા જેવા લોકો માટે આ અઘરું છે પણ હું બધા વોરિયર્સનો આભાર માનું છું જેને કારણે મહામારી વચ્ચે આઈપીએલ થઇ શક્યો છે.