પાયલ ઘોષે વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ન્યાય માટે કરી અપીલ

ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ પર દુષ્કર્મનો આરોપ લગાવનાર અભિનેત્રી પાયલ ઘોષે ફરી એકવાર ન્યાયની માંગ કરી છે. આ વખતે પાયલે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહને ન્યાય માટે અપીલ કરી છે.

આટલું જ નહીં પાયલે રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ રેખા શર્માને પણ તેમના તાજેતરના ટ્વીટમાં ટેગ કર્યા છે. પાયલે ટ્વિટ કર્યું હતું કે, મારા મિત્ર અને મેનેજરે અનુરાગ કશ્યપને મારી ફિલ્મ (ઉસરાવેલ્લી) એક કોન્ફરન્સ તરીકે જોવા માટે કહૃાું હતું, કારણ કે અમે કોઈ પ્રોજેક્ટ વિશે ચર્ચા કરવા મળવા જઈ રહૃાા હતા. મિસ્ટર કશ્યપે કોઇપણ સચ્ચાઇ વગર મારા અને મારા કો-સ્ટારના સંબંધ ખરાબ કરી દીધા હતા. હજુ પણ ન્યાયની રાહ જોઇ રહી છું. આટલું જ નહીં પાયલે ફરી એકવાર અનુરાગ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેણે ડિલીટ કરેલું ટ્વીટ શેર કર્યું જેમાં તેણે દાવો કર્યો કે અનુરાગ કશ્યપે તેની અને જુનિયર એનટીઆર વચ્ચે શારીરિક સંબંધ હોવાનો સંકેત આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે પાયલે ૨૨ સપ્ટેમ્બરના રોજ મુંબઇના વર્સોવા પોલીસ સ્ટેશનમાં અનુરાગ કશ્યપ વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે વર્ષ ૨૦૧૩ માં ફિલ્મ નિર્માતા અનુરાગ દ્વારા વર્સોવામાં તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. પૂછપરછ દરમિયાન અનુરાગે આક્ષેપોને ખોટા ગણાવ્યા છે.