કોરોના અને લોકડાઉનના પગલે દેશના મોટાભાગના થિયેટરો બંધ થવાની તૈયારીમાં

કોરોનાએ દેશના સૌથી મોટા મનોરંજન ઉદ્યોગની કમર તોડી નાખી હોવાના અહેવાલ વહેતા થયા હતા. દેશના બાર ટકા સિનેમા થિયેટર્સ ગમે તે ઘડીએ બંધ થવાની તૈયારીમાં હતા.છેલ્લાં પાંચ માસથી એક પણ મોટી ફિલ્મ રજૂ થઇ શકી નહોતી. માર્ચથી જૂન જુલાઇ સુધી તો લૉકડાઉન હતું. પરિણામે એક પણ ફિલ્મ રજૂ થવાની શક્યતા નહોતી. હજુ પણ સિંગલ સ્ક્રીન થિયેટરોમાં ફિલ્મ ક્યારે કેવી રીતે રજૂ થશે એ નક્કી નહોતું.

બોલિવૂડના પ્રવક્તાઓ કહે છે કે કોરોનાએ સૌથી વધુ નુકસાન ફિલ્મ ઉદ્યોગને પહોંચાડ્યું હતું. મહાનગર મુંબઇમાં મનોરંજન ઉદ્યોગ ત્રીસથી પાંત્રીસ લાખ લોકોને રોજીરોટી આપતો હતો. અદાકારો સિવાયના મોટા ભાગના શ્રમિકો એક યા બીજી રીતે પોતપોતાના વતન ભેગા થઇ ગયા હતા.

જો કે થોડા થોડા શ્રમિકો ધીમે ધીમે પાછા આવી રહૃાા હતા. પરંતુ એક્ઝિબિટર્સ એટલે કે સિનેમા થિયેટરના માલિકો કહે છે કે સરકારી નિયમો મુજબ બેઠકો ગોઠવીએ તો આર્થિક દ્રષ્ટિએ પરવડી શકે એમ નથી. કોઇ પણ ફિલ્મ ઓછામાં ઓછા સમય માટે સહી પણ હાઉસફૂલ થાય એ જરૂરી હોય છે. અત્યારે એવી કોઇ સ્થિતિ અમને નજરે પડતી નથી.