મ.પ્રદેશના ઉજ્જૈનમાં ૭ લોકોના ઝેરી દારૂ પીવાથી મોત થયાની આશંકા

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં ૧૨ કલાકમાં સાત લોકોના મોત થયાં છે. બુધવારે ઉજ્જૈનના વિવિધ વિસ્તારોમાં સાત લોકોના મૃતદેહ મળ્યા છે. દિવસભર એક બાદ એક મૃતદેહ મળવાથી સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ. જે બાદ મામલો શાસન સુધી પહોંચી ગયો છે. આ મામલે આજે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તપાસના આદેશ આપ્યા છે. કયા કારણોસર મોત થયાં તે અંગે હજી કંઈ જાણી શકાયું નથી.

ઉજ્જૈનના વિવિધ વિસ્તારોમાં આ મોત થયાં, મૃતકોમાં છ મજૂર અને એક મહિલા છે. એવું જાણવા મળ્યું કે મૃતકોમાં કેટલાક દારૂના ટેવાયેલા હતા. એવામાં આ લોકોએ ઝેરીલો દારૂ પીધો હોવાથી મૃત્યુ પામ્યા હોવાની આશંકા જતાવવામાં આવી રહી છે. જો કે પોલીસનું કહેવું છે કે હજી સુધી મોતનું કારણ નથી જાણી શકાયું, તપાસ બાદ જ કંઈક કહી શકાશે.

ખારાકુવાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા છત્રી ચોક વિસ્તારમાં પોલીસને બે શખ્સોની લાશ મળી હતી. બંનેની ઓળખ આ વિસ્તારમાં જ રહેતા મજૂરો તરીકે થઈ હતી. જે બાદ બપોરે આ ક્ષેત્રથી જ ફરી બે મૃતદેહ મળ્યા હોવાની જાણકારી મળી. જ્યારે કોતવાલી પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં પણ તેલીવાડા વિસ્તારમાં એક મજૂરની લાશ મળી.