જળ અભિયાન:લોથલ પાસેના છેવાડાના ગામો ૧૦૦ ટકા નળ જોડાણ ધરાવતા ગામો બન્યા

ગુજરાતમાં ઘરે ઘરે નળથી પાણી પહોંચાડવાનું અભિયાન હાલમાં ચાલી રહૃાું છે. ત્યારે સરકારે અનલોક ફેઝમાં કામગીરી ચાલુ રાખી ગામના ઘરોને પાણીના નળના કનેક્શન આપ્યાં છે. આ અંગે કરણગઢ ગામના સરપંચ સુરજબેને જણાવ્યું હતું કે ‘ગામમાં ઘરે ઘરે નળ કનેક્શન આવતા અમારે પાણીની સાથે સુખ પણ આવ્યું છે. મારા ગામની બહેનો જે તળાવે પાણી ભરવા જતી એમને હવે ઘરે બેઠા પાણી મળ્યું છે. આ ‘નળથી જળ અભિયાન આમ જ ચાલુ રહે ને નળકાંઠાના બધા ગામમાં લોકોના ફળીયા સુધી પાણી પહોચી જાય એવી અમરી ઇચ્છા છે. અમદાવાદ જિલ્લાના કરણગઢ, સરગવાડા, ગણોળ, કલાણા આ એ છેવાડાના ગામો છે જે લોકડાઉન દરમિયાન શૂન્ય નળ જોડાણમાંથી સો ટકા નળ જોડાણ ધરાવતા ગામો બન્યા છે.

કરણગઢ નળ સરોવર પાસેનું ગામ છે તો સરગવાડા ભાલ પ્રદેશનું લોથલ બંદર પાસે આવેલુ ગામ છે. ગણોલ ધોળકાતાલુકાનું અને કલાણા સાણંદ તાલુકાનું ગામ છે. ગ્રામ પંચાયત, અને વાસ્મોના સહિયારા પ્રયાસોથી આજે અમદાવાદ જીલ્લા(ગ્રામ્ય)માં ૯૪.૧૫ ટકા ઘરોમાં નળથી જળ પહોચ્યુ છે. ‘જલ જીવન મિશન અંતર્ગત ૨૦૨૨ સુધીમાં ગુજરાતના ૧૦૦ ટકા ઘરોને નળથી જળ પહોચાડવાનું રાજ્ય સરકારનું લક્ષ્યાંક છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લાનું વહિવટી તંત્ર કાર્યરત છે. આ સંદર્ભે વાસ્મો (વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન) ના યુનિટ હેડ આર.જે. બ્રહ્મભટ્ટના જણાવ્યા મુજબ અમદાવાદ જિલ્લાના ૦૯ તાલુકા પૈકી બાવળામાં ૮૬.૬૨ ટકા, દસ્ક્રોઇમાં ૯૮.૬૮ ટકા, દેત્રોજમાં ૯૯.૧૯ ટકા,

ધંધુકામાં ૯૬.૨૬ ટકા, ધોલેરામાં ૮૫.૫૨ ટકા, ધોળકામાં ૯૬.૫૯ ટકા, માંડલમાં ૯૯.૪૭ ટકા, સાણંદમાં ૯૨.૨૦ ટકા અને વિરમગામમાં ૮૯.૧૮ ટકા ઘરોમાં નળથી જળ ઉપલબ્ધ છે. હાલ અમદાવાદ જિલ્લાના ૩૬૪ ગામો ૧૦૦ ટકા ઘરોમાં નળ જોડાણ ધરાવે છે. બાકી રહેતા ૧૨૦ ગામડામાંથી ૩૯ ગામોને ૧૦૦ ટકા નળ જોડાણ ધરાવતા કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા ગ્રાંટની ફાળવણી ગત બુધવારે કરવામાં આવી છે. બ્રહ્મભટ્ટે ઉમેર્યું કે નવેમ્બર ૨૦૨૧ સુધીમાં અમદાવાદ જિલ્લો ૧૦૦ ટકા ઘરોમાં નળ જોડાણ ધરવતો બને તે મુજબનું આયોજન છે. કરણગઢ ગામના રહેવાસી મનજીભાઇ કહે છે કે ‘મારો જન્મ જ આ ગામમાં થયો છે. વર્ષોથી ગામની મહિલાઓ ગામની ભાગોળે કુવામાંથી કે તળાવ પરથી પાણી લાવતી હતી. ‘વાસ્મો એ ગ્રામસભામાં આવી પાણીની વિતરણ વ્યવસ્થા ઉભી કરવાની વાત કરી. લોકફાળો અને સરકારની ગ્રાંટમાંથી એમ ૫.૩૨ લાખના ખર્ચે ગામના ૧૪૫ ઘરોને નળ કનેક્શન મળ્યું છે.