કમોસમી વરસાદ અને સંગ્રહખોરીના કારણે ડુંગળી-બટેટાના ભાવમાં ઉછાળો

શાકભાજીના ભાવ કાબૂમાં આવ્યા બાદ હવે બટેટા અને ડુંગળીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે બટેટા અને ડુંગળીનો પાક નિષ્ફળ ગયો છે. બીજી તરફ મોટા વેપારીઓની સંગ્રહખોરીના કારણે બટેટા અને ડુંગળીના ભાવમાં વધારો થયો છે. ઓછી આવકમાં ડિમાન્ડ નીકળતા બટેટા અને ડુંગળીના ભાવ કિલોના રૂ. ૫૦થી લઇને રૂ. ૮૦ સુધીના થયા છે. હાલ સફરજનના ભાવે ડુંગળી વેચાય રહી છે. જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. મુંબઈ, દિલ્હીમાં ડિમાન્ડ વધારે હોવાથી ગુજરાતમાં આવક ઓછી છે. સામાન્ય દિવસોમાં રાજકોટના જૂના યાર્ડમાં બટેટાની આવક ૧૫થી ૨૦ ગાડીની થાય છે,

પરંતુ અત્યારે આ આવક માત્ર ૧૦ ગાડીની જ છે. તેવી જ રીતે ડુંગળીની આવક અત્યારે માત્ર ૩૦૦૦ કટ્ટાની છે. જૂના યાર્ડમાં હરાજીમાં બટેટાનો ભાવ રૂ.૪૦૦-૬૭૦ ઉપજ્યો હતો અને ડુંગળીનો ભાવ રૂ. ૬૫૦-૧૨૫૦ બોલાયો હતો. હોટેલ રેસ્ટોરન્ટ શરૂ થતા ડિમાન્ડ પહેલા કરતા વધુ નીકળી છે. ડુંગળી-બટાટાના વેપારીએ જણાવ્યું હતું કે પહેલા બટેટાના ભાવ ૩૦-૪૦ રૂપિયા હતા, પણ હવે ૫૦ રૂપિયા થઈ ગયા છે. માલની આવક ઘટી જતા ભાવમાં વધારો થયો છે. વધુ વરસાદ પડતા માલ બગડી ગયો છે.

જેથી ડુંગળી અને બટેટાના ભાવમાં વધારો થયો છે. એક મહિનામાં ભાવ સરખો થઈ જશે. અત્યારે બટેટાના કિલોના ભાવ ૫૦ રૂપિયા છે. જ્યારે ડુંગળી અત્યારે ૧૦૦ રૂપિયાની કિલો છે. જેથી ગૃહિણીનું બજેટ ખોરવાય ગયું છે. અત્યારે ડુંગળી અને બટાટાનો ભાવ ઊંચો છે. નાસિકની ડુંગળી આ વખતે એક મહિનો મોડી છે. નવી ડુંગળી અને નવા બટેટાની આવક શરૂ નહીં થાય ત્યા સુધી આ ભાવ રહેશે.