રસોઇ ગેસ સિલિન્ડરમાં ભાવ વધારાથી ઓરિસ્સા બંધ

31

પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવો બાદ રસોઇ ગેસમાં આકરો વધારો કરાતા લોકોમાં પુર્ણય પ્રકોપ, એક મહિનામાં બે વખત સિલિન્ડરના ભાવ વધારવાથી લાખો લોકો હતપ્રભ

રસોઇ ગેસ સિલિન્ડરમાં ભાવ વધારાથી ઓરિસ્સા બંધ

છેલ્લા 3 મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં લગભગ દૈનિક ધોરણે વધારો જાહેર કરવામાં આવી રહયો અને લોકોને એ બોજાની કળ વળી નથી ત્યાં ફેબ્રુઆરી માસમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં માત્ર 10 દિવસના ગાળામાં બે વખત વધારો ઝીંકી દેવાતા દેશભરમાં જબરો દેકારો મચી જવા પામ્યો છે. લાખો કરોડો પરીવારોના રસોડાના બજેટને તહસ-નહસ કરી નાખવામાં આવ્યા છે. પરીણામે કેન્દ્ર સરકાર અને ઓઇલ કંપનીઓ સામે દેશમાં ખુણે-ખુણે રોષ અને વિરોધનો પુર્ણયપ્રકોપ ફાટી પડયો છે. કોંગ્રેસે આજે ભાવ વધારા વિરોધમાં ઓરીસ્સા બંધનું એલાન આપ્યું છે.

રાધણ ગેસ સિલિન્ડરની કિંમત હજુ આ મહિને તા.4ના રોજ વધારવામાં આવી હતી. એ વખતે સિલિન્ડરો દીઢ રૂ.25નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. હજુ 10 દિવસ પણ વિત્યા નથી ત્યાં 14મીએ સિલિન્ડર દીઢ ભાવમાં બીજા રૂ.50નો તોતીગ વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે. આ રીતે ભાવ વધારાની સમીક્ષા કરવાની માસીક પરંપરા પણ તોડી નાખવામાં આવી છે. અને મહિનામાં બે વખત વધારાનું પગલુ લઇને એક સિલિન્ડરના ભાવમાં રૂ.75નો અસહય અને આકરો વધારો લાગું કરી દેવામાં આવ્યો છે. પરીણામે દેશભરની ગૃહિણીઓમાં ભારે ધુધવાટ અને કચવાટની લાગણી પ્રસરીવળી છે. ગત જાન્યુઆરી માસમાં ઓઇલ કંપનીઓએ એલપીજી ગેસની કિંમતમાં કોઇ વધારો કર્યો ન હતો. જો કે એ પહેલા ડિસેમ્બરમાં બે વખત રૂ.50-50નો વધારો ઝીંકી જ દીધો હતો. ત્યાર બાદ સબસીડી વગરના સિલિન્ડરની કિંમતમાં બજેટના દિવસે જ વધારો કરી દેવામાં આવ્યો હતો. કોમ્સીર્યલ સિલિન્ડરની કિંમતમાં પણ રૂ.191 જેટલો વધારો થઇ જવા પામ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવોની સાથે સાથે રસોઇ ગેસના ભાવોમાં વારંવાર કરવામાં આવતો વધારો લાખો-કરોડો પરીવારો માટે ખુબ જ બોજા રૂપ અને હાડમારી રૂપ સાબિત થયો છે. દેશભરમાં ભાવ વધારાના ગંભીર પડધા પડયા છે.

કોંગ્રેસે ઓરીસ્સા બંધનું એલાન આપવા સાથે એવો આક્ષેપ કર્યો હતો કે, કેન્દ્ર સરકાર ગેરવ્યાજબી રીતે વધુને વધુ વેરા નાખી રહી છે. તેના કારણે લોકોની કમર તુટી ગઇ છે. મહિનાના પ્રારંભે એકવાર જ ઇંધણ અને ગેસના ભાવની સમીક્ષા કરવામાં આવતી હોય છે. પણ ફેબ્રુઆરીમાં ઓઇલ કંપનીઓએ હદ વટાવી દીધી છે. જેના કારણે ગૃહિણીઓમાં કાળો કકળાટ મચી ગયો છે. નવી દિલહીમાં તો સબસીડી વગરના ગેસ સિલિન્ડરનો ભાવ વધીને રૂ.769 થઇ જવા પામ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવો પણ સતત વધારવામાં આવી રહયા છે. મધ્યપ્રદેશમાં તો પેટ્રોલનો ભાવ લીટરદીઠ રૂ.100 થઇ ચુકયો છે. મુંબઇમાં તો રૂ.95 ભાવ સપાટી થઇ ગઇ છે. અનેક રાજયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રૂ.90 થી 100ની વચ્ચે રમી રહયા છે. કોંગ્રેસના એલાન મુજબ આજે સવારે 6 થી 1 વાગ્યા સુધીના રાજય વ્યાપી બંધનો પ્રારંભ થયો છે. રાજય સરકારે વિદ્યાર્થીઓની સુરક્ષા ખાતર આજે તમામ શાળા-કોલેજો અને યુનીવર્સિટીઓમાં રજા જાહેર કરી દીધી છે. ભારે સંગીન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.