ખેડૂતોનો જોમ યથાવત : નવા કાર્યક્રમો જાહેર

52

યુ.પી.ના મોરાદાબાદમાં આજે કિસાન મહાપંચાયત

તા.18મી એ દેશભરમાં રેલ-રોકો કાર્યક્રમ

કેન્દ્રની મોદી સરકાર દ્વારા 3 નવા કૃષિ કાનૂનો અંગેની મડાગાંઠ હજુ યથાવત છે. આ કાનૂનો રદ્દ કરાવવા માટે મક્કમ બનેલા ખેડૂતો આ મુદ્દે સરકાર સાથે આરપારની લડાઇનું એલાન કરી ચૂકેલ છે અને આજે 78મા દિવસે પણ દિલ્હીની સરહદો ઉપર શાંત આંદોલન ચાલુ છે.

દરમિયાન નવા ખેડૂત કાયદાઓ વિરૂધ્ધ પોતાના આંદોલનને વધુ ઝડપી બનાવવાની સાથે દેખાવો કરી રહેલ ખેડૂત સંઘોએ 18 ફેબ્રુઆરીએ 4 કલાક માટે દેશવ્યાપી પરેલ રોકોથ અભિયાનની જાહેરાત કરી છે. સંયુકત ખેડૂત મોરચાના નેતા ડો. દર્શન પાલએ ગઇ મોડી સાંજે ખેડૂત આંદોલન દ્વારા હવે પછીના કાર્યક્રમોની જાહેરાત કરી હતી. 14 ફેબ્રુઆરી રવિવારના દિવસે દેશભરમાં કેન્ડલ માર્ચ, મશાલ સરઘસ અને બીજા કાર્યક્રમો યોજાશે. જેમાં પુલવામાં હુમલામાં શહિદ થયેલ સૈનિકોના બલિદાનને યાદ કરવામાં આવશે. 16 ફેબ્રુઆરીએ ખેડૂત સર છોટુરામની જયંતિ ઉપર દેશભરમાં ખેડૂતો એકતાનું પ્રદર્શન કરશે. 18 ફેબ્રુઆરી આવતા ગુરૂવારે બપોરે 12 થી 4 સુધી દેશભરમાં રેલ-રોકો કાર્યક્રમ આયોજીત કરવામાં આવશે. આ પૂર્વે ખેડૂતોએ 26 જાન્યુઆરીએ દિલ્હીમાં ટ્રેકટર રેલી અને 6 ફેબ્રુઆરીએ દેશભરમાં ચક્કાજામ કરેલ. આ દરમિયાન હિંસા કરાવવાની દહેશત સર્જાતા આંદોલનકારીઓએ દિલ્હી, યુપી અને ઉત્તરાખંડને ચક્કાજામથી અલગ રાખેલ. ખેડૂતો નવા ખેડૂતકાયદાઓને પાછા ખેંચવા અને એમ.એસ.પી. (મીનીમમ સપોર્ટ પ્રાઇસ) માટે કાનૂન બનાવવાની માંગ પૂરી કરવા 77 દિવસ લડત આપી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે જ્યાં સુધી આ કાયદાઓ રદ્દ નહિ થાય, ખેડૂતો પાછા નહિ જાય.

આજે સતત 79માં દિવસે દિલ્હી બોર્ડર પર ખેડૂતોની જમાવત યથાવત રહી હતી. હરિયાણાના ખેડૂતો પણ મોટી સંખ્યામાં ભેગા થઇ રહયા છે. ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં આજે કિસાનોની મહાપંચાયત યોજાઇ રહી છે. રાજેસ્થાનમાં આજે ખેડૂતોએ જોરદાર આંદોલન કરી તમામ ટોલનાકા ફ્રી કરાવ્યા હતા.