ઝીંઝુવાડા આવતી ચાર બસો અચાનક બંધ કરાતા લોકોમાં રોષ

37

પાટડી તાલુકાના ઝીંઝુવાડા ગામે આવતી વર્ષો જૂની ચાર બસો અચાનક બંધ કરાતા લોકોમાં રોષની લાગણી ફેલાવા પામી છે. સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અર્થે અપ-ડાઉનની વ્યવસ્થા ઠપ્પ થતાં વિદ્યાર્થીઓ પણ રોષે ભરાયા છે. પાટડી તાલુકાનું ઐતિહાસીક ઝીંઝુવાડા ગામ મીઠા ઉદ્યોગનું મોટું સેન્ટર છે. ઝીંઝુવાડામાં ઐતિહાસીક દરવાજા, સમર વાવ અને સિંહસર તળાવ અને ઝીંઝુવાડા રણમાં વાછડાદાદાની જગ્યાના દર્શનાર્થે હજારો શ્રધ્ધાળુઓ આસ્થાભેર આવે છે. પરંતુ વિરમગામ ડેપો દ્વારા બપોરે ૧૨ વાગ્યાની વિરમગામ-સુરેલ બસ, ૧૨-૩૦ વાગ્યાની વિરમગામ-ઝીંઝુવાડા બસ.

૨-૩૦ વાગ્યાની ઝીંઝુવાડા-અમદાવાદ બસ અને ૩-૩૦ વાગ્યાની અમદાવાદગીતા મંદિરથી ઉપડતી અમદાવાદ-સુરેલ બસ અચાનક બંધ કરાતા ઝીંઝુવાડા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાવા પામી છે. જેમાં સવારે ૬-૩૦ વાગ્યાની અમદાવાદથી ઝીંઝુવાડા આવતી બસ મહાદેવનગર-ઝીંઝુવાડા રૂટની બસ વિના કારણે બંધ કરાતા સ્કુલ-કોલેજોમાં બહારગામ અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓની હાલત અત્યંત કફોડી બનતા લોકોની સાથે વિદ્યાર્થીઓમાં રોષની લાગણી ફેલાવા પામી છે.

આ અંગે ઝીંઝુવાડાના જાગૃત નાગરિક ભરતિંસહ ગંભીરસિંહ ઝાલા અને હિતેશભાઇ દસાડીયાએ વિરમગામ ડેપો મેનેજરને લેખીત રજૂઆત કરી વિદ્યાર્થીઓને અપ-ડાઉન માટેની મહાદેવનગર-ઝીંઝુવાડા બસની સાથે બાકીની મળીને બંધ કરાયેલી ચારેય બસો તાકીદે શરૂ કરવા લેખીત રજૂઆત કરી ગ્રામજનો દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.