એમએસયુની કોમર્સ-આર્ટ્સ ફેકલ્ટીમાં ૫૦ ટકા સિલેબસ ઘટાડવાની માંગ સાથે એબીવીપીનો હોબાળો

55

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કોમર્સ અને આર્ટ્સ ફેકલ્ટીનો ૫૦ ટકા સિલેબસ ઘટાડવાની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં બોમ્બ ફોડીને ભારે હોબાળો મચાવ્યો હતો. સિલેબસ ઘટાડવાની માંગ સાથે અનેકવાર રજૂઆત કરવા છતાં સત્તાવાળાઓ દ્વારા સિલેબસ ઘટાડવામાં ન આવતા આજે વિદ્યાર્થીઓએ હેડ ઓફિસ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો. જ્યાં વિદ્યાર્થીઓ અને સિક્યુરિટી ગાર્ડ્સ વચ્ચે ઘર્ષણ થયું હતું. સિક્યુરીટી દ્વારા ગેટને બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અને સિક્યુરિટી ગાર્ડ્સ વચ્ચે ઘર્ષણ થયું.

કોરોનાની મહામારીના કારણે યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન શિક્ષણ વિદ્યાર્થીઓને આપવામાં આવતું હતું, પરંતુ, ઓનલાઇન શિક્ષણમાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ શિક્ષણ મળતું નથી. જેથી આર્ટ્સ ફેકલ્ટી અને કોમર્સ ફેકલ્ટીમાં ૫૦ ટકા સિલેબસ ઘટાડવાની માંગણી છેલ્લા કેટલાક સમયથી કરવામાં આવી રહી છે. અગાઉ એબીવીપી દ્વારા ધરણા-પ્રદર્શન સાથે સિલેબસ ઘટાડવા માટેની લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ, સત્તાવાળાઓ સિલેબસ ઘટાડવા માટે કોઇ દાદ આપવામાં ન આવતા એબીવીપીના વિદ્યાર્થીઓ હેડ ઓફિસ ખાતે પહોંચી ગયા હતા અને હેડ ઓફિસના માર્ગો ઉપર બોમ્બ ફોડીને હેડ ઓફિસ પાસે ગયા હતા, પરંતુ, સિક્યુરીટી દ્વારા ગેટને બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અને સિક્યુરિટી ગાર્ડ્સ વચ્ચે ઘર્ષણ થયું હતું.

પોસ્ટર્સ પર વિવિધ સૂત્રોચ્ચારો લખીને હેડ ઓફિસ ખાતે પહોંચેલા વિદ્યાર્થીઓ દ્વારા હેડ ઓફિસ બહાર વી.સી.ને બોલાવો…સિલેબસ ઘટાડો..જેવા સૂત્રોચ્ચાર કરવા સાથે કેમ્પસમાં બોમ્બ ફોડીને સિલેબસ ઘટાડવાની માંગણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા યુનિવર્સિટી સિક્યુરીટી વિદ્યાર્થીઓને રોકવાનો પ્રયાસ કરતા ઘર્ષણ થયું હતું. વિદ્યાર્થીઓ અને સિક્યુરીટી જવાનો વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી.