એસજી હાઈવે પરથી પસાર થતા અમદાવાદીઓને આજે મળશે મોટી ભેટ

54

રાજેરોજ હજારોની સંખ્યામાં વાહનો અમદાવાદના એસજી હાઈવે પરથી પસાર થતા હોય છે. ત્યારે આ વાહનચાલકોની મુશ્કેલીઓ આજથી દુર થવાની છે. આ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોને હવે ટ્રાફિકની ઝંઝટમાંથી મુક્તિ મળશે. આજથી સિંધુ ભવન ફલાય ઓવર અને સરખેજ સાણંદ સર્કલ ફલાયઓવરનું લોકાર્પણ થવાનું છે. ગૃહમંત્રી અમિત શાહ આ ફલાયઓવરનું ઇ-લોકાર્પણ કરશે.

૭૧ કરોડના ખર્ચે બનાવવામાં આવેલા બંન્ને લાય ઓવરને ખુલ્લા મૂકાતા જ વાહનચાલકોને ટ્રાફિકજામની સમસ્યામાંથી મુક્તિ મળશે. વર્ષ ૨૦૧૬-૧૭માં માર્ગ મકાન મંત્રી નીતિન પટેલ દ્વારા બંને ફલાય ઓવરને મંજૂરી આપવામા આવી હતી. તે સમયે ૮૬૭ કરોડના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી, જે પૈકીના અમદાવાદના બે ફલાયઓવર પણ હતા. સરખેજ ગાંધીનગર હાઈવે પર સાણંદ સર્કલ પાસે ૩૬ કરોડના ખર્ચે ફલાય ઓવર બનાવવામાં આવ્યો છે.

તો સાથે જ સિંધુ ભવન ચાર રસ્તા પાસે ૩૫ કરોડના ખર્ચે ફલાયઓવર બનાવવામાં આવ્યો છે. ત્યારે આ બંને ફલાયઓવર અમદાવાદીઓની સુવિધા માટે ખૂલવા જઈ રહૃાાં છે. દેવદિવાળીના તહેવારે ગૃહમંત્રી અમિત શાહ બંને ફલાયઓવરનું લોકાર્પણ કરશે. બંને ફલાયઓવર શરૂ થતા જ અહીથી પસાર થતા લાખો નાગરિકોને સુવિધા અને સરળતા મળશે. સાથે જ ટ્રાફિકની જામની ઝંઝટમાંથી પણ મુક્તિ મળશે.