‘હનુમાન કેમ્પનાં ભક્તો માટે ખુશખબર, મંદિર ખોલવા કરાયો આદેશ

39

અમદાવાદના શાહીબાગ કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં આવેલું હનુમાન કેમ્પ મંદિર શ્રદ્ધાળુઓમાં ખુબ જ પ્રખ્યાત છે. અને શનિવારે અહીં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટે છે. પણ કોરોના મહામારીને કારણે છેલ્લા ૮ મહિનાથી હનુમાન કેમ્પ મંદિર બંધ હતું. આર્મી કેન્ટોન્મેન્ટમાં આવેલાં મંદિરને ખોલવા માટે મંજૂરી મળતી ન હતી. જે બાદ ભારે વિરોધ પણ થયો હતો. પણ આખરે આ મામલો ચેરિટી કમિશનર પાસે પહોંચ્યો હતો. અને ચેરિટી કમિશનરે મંદિર ખોલવા માટે આદેશ કર્યો છે. આમ દિવાળી પહેલાં હનુમાન કેમ્પના ભક્તો માટે બહુ મોટી ખુશખબર મળી છે.

કોરોના મહામારીને કારણે શાહીબાગ આર્મી કેન્ટોન્મેન્ટમાં આવેલું કેમ્પ હનુમાન મંદિર લગભગ ૮ મહિનાથી બંધ હતું. તેને ખોલવા માટે મંદિર ટ્રસ્ટ સહિત શ્રદ્ધાળુઓ દ્વારા મંદિર ખોલવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. પણ આર્મી કેન્ટોન્મેન્ટમાં મંદિર આવેલું હોવાથી આર્મીના અધિકારીઓ દ્વારા મંદિર ખોલવા માટે મંજૂરી આપવામાં આવી ન હતી.

હનુમાન કેમ્પ મંદિર ખોલવા માટે શ્રદ્ધાળુઓ અભિયાન પણ શરૂ કર્યું હતું. મંદિર ખોલવા માટે ભક્તો સતત માગ કરી રહૃાા હતા. અનલોકના તબક્કામાં કેન્દ્ર સરકારે મંદિર ખોલવા માટે પરમિશન આપી દીધી હતી. પણ આર્મી દ્વારા હનુમાન કેમ્પના દરવાજા ખોલવા માટે મંજૂરી અપાઈ ન હતી. જે બાદ આ મામલે ચેરિટી કમિશનરમાં ફરિયાદ કરવામાં આવી હતી. અને ભક્તોની તરફેણમાં ચુકાદો આપતાં ચેરિટી કમિશનરે મંદિર ખોલવા માટે આદેશ કર્યો છે.