બે બહેનો પર દુષ્કર્મ ગુજારનાર મહારાષ્ટ્રના તાંત્રિકે હવસ સંતોષવા કર્યા ૧૪ લગ્નો

52

ગણદેવી પંથકના એક ગામમાં નાસ્તાની લારી ચલાવતા એક બાપે અંધશ્રદ્ધામાં આવી જઈ દીકરીઓના સંસાર ટકી રહે તે માટે મહારાષ્ટ્રના એક તાંત્રિકની વાતોમાં આવી જઈ બે સગી દીકરીને તાંત્રિકને સોંપી હતી. તાંત્રિકે વિધિ કરવાના બહાને એક સગીર અને એક પરિણીત મળી બંને સગી બહેનને ભોગવી ગર્ભવતી બનાવી બાપ પાસેથી વિધિના બહાને ૫૦ હજાર પડાવી લીધા હતા. આ અંગે ગણદેવી પોલીસે ફરિયાદ નોંધી મહારાષ્ટ્રના આ લંપટ તાંત્રિક અને તેના સાગરીતો સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી. પોલીસે પોકસો, બળાત્કાર અપહરણ અને છેતરિંપડીની ફરિયાદ નોંધી આરોપીના રિમાન્ડ મેળવી પૂછતાછ હાથ ધરી છે. પોલીસ તપાસમાં લંપટ તાંત્રિકે હવસ સંતોષવા ૧૪ લગ્ન કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. જે પૈકી હાલ તાંત્રિક સાથે બે પત્ની અને સાત બાળકો રહે છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગણદેવી પંથકના એક ગામમાં વસતા અને નાસ્તાની લારી ચલાવી જીવનનિર્વાહ ચલાવતો પરપ્રાંતીય પરિવારમાં પતિ-પત્ની અને તેમની ચાર પુત્રીઓ સાથે રહે છે. બે પુત્રી પરિણીત હતી, જેમાંથી એક પુત્રી પિયર પરત ઘરે આવી ગઈ હતી અને જેને એક સંતાન છે. એક દીકરીના સંસારમાં મુસીબત આવતા પિતા દુ:ખી હતા. તેણે તેના દુ:ખ વિશે તેના મિત્ર સુરેશ રામસેવક પટેલ (ઉ.વ. ૩૦, રહે.માણેકપોર, ચીખલી)ને જણાવી હતી. સુરેશ દુ:ખી પિતા પાસેથી પૈસા ખંખેરવા તેને અંધશ્રદ્ધાની બીક બતાવી તાંત્રિક વિષ્ણુ ચતુર નાઈક (ઉ.વ. ૩૭, રહે. લાખાપોર, તા. તળોદા, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર) પાસે લઈ ગયો હતો. જ્યાં આ લંપટ તાંત્રિકે તેને તેના ઘરમાં શેતાન વાસ કરે છે, જે તારી દીકરીઓના સંસાર ટકવા નહીં દે એવી બીક બતાવતા લાચાર પિતા તેની વાતોમાં આવી ગયો હતો.

તેણે આના ઉપાય માટે વાત કરતા આ તાંત્રિકે તેને વિધિ કરવા જણાવ્યું અને વિધિ પાછળ ૫૦ હજારનો ખર્ચ થશે તેમ જણાવી આ વિધિમાં તારી પરિણીત દીકરી સાથે જ કરાવવી પડશે એવું જણાવતા પિતા તેની વાતમાં આવી ગયા હતા. દીકરીના બાપે વિધિના ૪૯,૫૦૦ તાંત્રિક વિષ્ણુના બેંક ખાતામાં ભરી પોતાની પરિણીત દીકરી જે લગ્ન બાદ પિયર આવી ગઈ હતી તેને તાંત્રિકના ઘરે મહારાષ્ટ્રના નંદુરબારમાં સોંપી આવ્યો હતો. જ્યાં અલગ-અલગ વિધિના બહાને આ તાંત્રિક અવારનવાર તેની સાથે શરીરસંબંધ બાંધી કેટલાય દિવસો સુધી વાસનાનો શિકાર બનાવી હતી. દરમિયાન દીકરીનો પિતા તેની પુત્રીને લેવા નંદુરબાર ગયો હતો. જ્યાં આ તાંત્રિકે તેને વિધિ બાકી હોય ફરી લઈ આવવા જણાવ્યું હતું પરંતુ તેણીએ ફરી જવાનો ઇનકાર કરી દીધો હતો.