કોરોના રસી માટે ૧૫૦૦૦ હેલ્થ વર્કર્સની યાદી બનાવવાનું કામ કરાયું શરૂ

37

કોરોનાની રસી ટૂંક સમયમાં આવવાની ધારણા સાથે પાલિકા દ્વારા રસી આપવા હોસ્પિટલના કમર્ચારીઓની યાદી બનાવવાનું શરૂ કરી દેવાયું છે. જેમાં ૧૫ હજાર હેલ્થ કર્મચારીઓને પ્રાયોરિટી આપવાની તૈયારી કરાઇ છે. કોરોનાને નિયંત્રણમાં લેવા ટૂંક સમયમાં રસી આવવાની શક્યતા સાથે ભારત સરકારે વડોદરા પાલિકા તંત્રને આ અંગેના ડેટા તૈયાર કરવા જણાવ્યું છે.

જેના પગલે પાલિકા દ્વારા શહેરની વિવિધ હોસ્પિટલો અને હેલ્થ સેન્ટરોને પરિપત્ર પાઠવી કોવિડની સારવાર સાથે સીધા કે આડકતરી રીતે સંકળાયેલા તબીબ, હેલ્થકર્મીઓની વિગતો મગાઈ છે. શહેરની ૪૫૦ જેટલી હોસ્પિટલ-હેલ્થ સેન્ટરો પૈકી અડધી સંસ્થાઓએ તેમના ડેટા પાલિકાને મોકલાવી દીધા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. મહાપાલિકાએ જે ડેટા મગાવ્યા છે તેમાં વિવિધ કેટેગરીના વોરિયર્સનો સમાવેશ થાય છે. આ કેટેગરીમાં ફ્રન્ટ લાઈન હેલ્થ વર્કર, નર્સ એન્ડ સુપરવાઈઝર્સ, મેડિકલ ઓફિસર્સ, પેરામેડિકલ સ્ટાફ, સાયન્ટિસ્ટ એન્ડ રિસર્ચ સ્ટાફ, સ્પોર્ટ સ્ટાફ અને ક્લેરિકલ એન્ડ એડમિન્સ્ટ્રેટિવ સ્ટાફ સામેલ છે.

કેન્દ્રનું આરોગ્ય મંત્રાલય તમામ ડેટાના આધારે રસીનું વિતરણ કરશે. પાલિકાના આરોગ્ય અમલદાર ડો. દેવેશ પટેલે કહૃાું કે, કેન્દ્ર સરકારની સૂચના મુજબ ડેટા મગાવાયા છે, જેના આધારે આગળની કામગીરી થશે. રસી ટૂંક સમયમાં આવશે ત્યારે તેનું યોગ્ય રીતે વિતરણ થાય તે માટેની આ તૈયારી છે. પાલિકા પાસે એડવાન્સમાં ડેટા હોય તો કામ સરળ થઇ પડે તેના માટે હોસ્પિટલો પાસેથી ડેટા મંગાવાયા છે.