દહેજ પેટે ૧૧ લાખ આપ્યા છતાં પતિએ ત્રાસ ગુજારતા પરિણિત મહિલાની પોલીસ ફરિયાદ

31

વેસુમાં રહેતી મહિલાના લગ્ન જીવનના ૨૭ વર્ષ વીતી ગયા છતાં પણ પતિની દહેજની ભૂખ સંતોષ નથી થતી. આ ૨૭ વર્ષના સમયગાળામાં મારૂતિ કારથી લઇ સોનાના દાગીના, ટીવી, ફ્રીજ સહિત અંદાજે ૧૧ લાખથી વધુનો સરસામાન દહેજે પેટે આપ્યો હોવા છતા સગી ભાભી સાથે અનૈતિક સબંધ ધરાવતા પતિએ સતત ત્રાસ ગુજારવાનું શરુ રાખતા પત્ની અસાધ્ય બિમારીનો ભોગ બની હતી. જેથી પત્નીએ પતિ સહિત ચાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

વેસુમાં રહેતી પરિણીતાનાં લગ્ન વર્ષ ૧૯૯૪માં પંકજ સુરેન્દ્ર ગોયેલ સાથે થયા હતા. અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. લગ્નના થોડા જ દિવસોમાં પતિના સગી ભાભી સાથેના અનૈતિક સબંધની જાણ પરિણીતાને થઇ હતી. જોકે પોતાનું લગ્ન જીવન બચાવવા તેને આંખ આડા કાન કર્યા હતા. હરિયાણા ખાતે નોકરી કરતા પતિને પરિણીતા ભાભી સાથે કઢંગી હાલતમાં જોઇ જતા બંને વચ્ચે ઝઘડો થયો. જેથી પતિ પંકજે પરિણીતાને માર મારી ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી આ મામલે પરિવારનાં વડીલોએ દરમ્યાનગીરી કરતા પરિણીતાએ ફરી પતિ સાથે રહેવા ગઇ હતી.

લગ્ન સમયે પરિણીતાને પિયર તરફથી કરિયાવરમાં મારૂતિ કાર, સોનાના ૪ સેટ સહિત અન્ય દાગીના, ટીવી, ફ્રીઝ, વોશીંગ મશીન અને રોકડા ૫૦ હજાર આપ્યા હતા. તેમ છતાં દહેજના ભૂખા પતિ, સસરા સુરેન્દ્ર હુકમચંદ ગોયેલ, જેઠાણી શીખા વિગેરે ત્રાસ આપતા હતા. ૧૯૯૮માં પંકજ હજીરા સ્થિત રિલાન્યસ કંપનીમાં નોકરી પર જોડાયો હતો ત્યારે પણ દહેજની માંગણી કરતા પરિણીતાના પિતાએ દાગીના, રોકડ મત્તા, જેઠ-જેઠાણી અને તેમના સંતાનને કપડા સહિતની વસ્તુઓ આપી હતી.

પુત્રના જન્મ વખતે શુકન તરીકે સોનાની ચેઇન અને રોકડા ૫૦ હજાર આપ્યા હોવા છતા પંકજે તિલકની વિધી માટે ૨ લાખની માંગણી કરી હતી. પરિવારની ચઢામણીથી વર્ષ ૨૦૧૯માં રિલાયન્સ કંપનીની નોકરી છોડી યુપી ચાલ્યો ગયો હતો. પુણેની કંપનીમાં નોકરી કરવાની સાથે અભ્યાસ કરતા પુત્ર અને એમબીબીએસનો અભ્યાસ કરતી પુત્રીની ફી માટે પણ પિયરમાંથી પૈસા લઇ આવવા દબાણ કર્યુ હતું. છેવટે પતિ, સસરા, જેઠ-જેઠાણી અને જેઠના પુત્ર વિરૂધ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.