સુરેશ પટેલે હનીટ્રેપનો ભોગ બની રૂા. ૨ લાખ ગુમાવતા નોંધાઈ ફરિયાદ

39

સલાબતપુરા આંજણા ફાર્મમાં સાડી પર લેસપટ્ટી લગાવવાનું કારખાનું ચલાવતા ધીરૂ વેલજી બેલડીયા અને તેનો મિત્ર સુરેશ પટેલ હનીટ્રેપનો ભોગ બની રૂા. ૨ લાખ ગુમાવતા મામલો પુણા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. કારખાનેદારને રસ્તામાં મળેલી રેખા નામની મહિલા પાસે વતનથી આવેલા મિત્ર સુરેશને શરીરસુખ માણવાની ઇચ્છા પૂરી કરવા પુણાગામના અર્પણ એપાર્ટમેન્ટમાં લઇ ગયો હતો. જયાં અર્ધનગ્ન અવસ્થામાં બે મહિલા સાથે રેખાએ પરિચય કરાવ્યો હતો અને ૧,૦૦૦ રૂપિયાનો ભાવ શરીરસુખ માણવા માટે નક્કી કર્યો હતો. આ વાતચીત ચાલી રહી હતી તે દરમ્યાન ચાર યુવાનો ઘસી આવ્યા હતા.

જે પૈકી એક યુવાને પોતાની ઓળખ પુણા પોલીસ સ્ટેશનના અમીત નામના કોન્સ્ટેબલ તરીકે આપી પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી. પરંતુ રેખાએ કેસ નહીં કરવા અને ત્યાં જ પતાવટની વાત કરતા અમીતે ૬ લાખની માંગણી કરી હતી. ધીરૂ અને સુરેશે ૬ લાખ નહીં પરંતુ ૨ લાખ આપવાનું નક્કી કર્યુ હતું. કોન્સ્ટેબલ તરીકે ખોટી ઓળખ આપનાર અમીતે જયાં સુધી ૨ લાખ નહીં આપે ત્યાં સુધી સુરેશને હાથકડી પહેરાવી માર મારવાની ધમકી આપી હતી. જેથી ડરી જનાર ધીરૂએ પોતાની સાથે એક્ટીવા પર એક માણસ મોકલવા અમીતને કહૃાું હતું.

ત્યાર બાદ એક્ટિવાની પાછળ-પાછળ અમીત સુરેશને હાથકડી પહેરાવી મારતા-મારતા કારમાં બેસાડી ધીરૂની પાછળ-પાછળ આવ્યા હતા અને ધીરૂએ મિત્ર પાસેથી ઉછીના ૨ લાખ લઇ અમીતને આપ્યા હતા. ત્યાર બાદ અમીત સુરેશને ઉતારી કાર પુર ઝડપે હંકારી ભાગી ગયો હતો પરંતુ કારનો રજીસ્ટ્રેશન નંબર જીજે-૧૫ એડી-૯૫૧૭ હોવાથી શંકા ગઇ હતી અને આ અંગે પોલીસને જાણ કરતા રેખા અને અમીતે ભેગા મળી હનીટ્રેપ કર્યાની શંકા જતા ધીરૂએ પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલિસે હનીટ્રેપ કેસના બે આરોપી વિજય મહેરભઆઇ લુણી(રહે. મધુવન સોસાયટી, કાપોદ્રા) અને અમીત મનસુખ ઠક્કર (રહે. શિવરંજની એપાર્ટમેન્ટ, પુણાગામ)ની ધરપકડ કરી છે.