અમદાવાદ સિંધુ ભવન રોડ પર ૧૨૫ વર્ષ જૂના મંદિર તોડયું, વીએચપીએ કર્યો વિરોધ

36

અમદાવાદના ખૂબ જ પોશ વિસ્તારમાં આવેલું ૧૨૫ વર્ષ જૂનું મેલડી માતાજીનું મંદિર તોડી પાડવામાં આવ્યું છે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે સવારથી જ પોલીસની ટીમને સાથે રાખીને કાર્યવાહી શરૂ કરી હતી. આ દરમિયાન અહીં ભારે વિરોધ જોવા મળ્યો હતો. મંદિરના ભુવા અને વી.એચ.પીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો પરંતુ તંત્રએ તેમની વાત સાંભળી ન હતી અને મંદિર તોડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. મંદિરના મહંતે આક્ષેપ લગાવ્યો છે કે અહીં આસપાસ આવેલા બંગલાઓના માલિકોએ અધિકારીઓને પૈસા આપ્યા હોવાથી મંદિર હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે જ તેમણે એવું પણ જણાવ્યું હતું કે મંદિર અન્ય જગ્યાએ ખસેડવા માટે તેમને પૂરતો સમય આપવામાં નથી આવ્યો. સાત દિવસની નોટિસમાં મંદિરને બીજે ખસેડવું શક્ય નથી.

એવી પણ માહિતી મળી છે કે આ પહેલા મંદિરનો તોડવાનો ત્રણ વખત પ્રયાસ કરવામાં આવી ચૂક્યો છે. ૧૨૫ વર્ષ જૂનું મંદિૃર: કોર્પોરેશન તરફથી જે મંદિર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તે મંદિર પોશ વિસ્તાર એવા સિંધુ ભવન રોડ પર આવેલું છે. આ મંદિરને કારણે અહીં ટ્રાફિકજામ થતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મંદિરને તોડી પાડવા માટે સાત દિવસની નોટિસ પાઠવવામાં આવી હતી. એવી પણ માહિતી મળી છે કે મંદિર માટે તંત્ર તરફથી કોઈ વૈકલ્પિક જગ્યા પણ ફાળવવામાં આવી છે. આજે સવારે એસ્ટેટ વિભાગના કર્મીઓ બુલડોઝર સાથે પહોંચતા મંદિરે હોબાળો મચી ગયો હતો. મંદિરના પૂજારીના કહેવા પ્રમાણે આ મંદિર ૧૨૫ વર્ષ જૂનું છે. તેમની ચોથી પેઢી અહીં સેવા કરી રહી છે.

એસ્ટેટ વિભાગના કર્મીઓ મંદિર તોડવા પહોંચતા જ વિશ્ર્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને મંદિરના પૂજારી સહિતના લોકોએ મંદિર તોડવાનો વિરોધ કર્યો હતો. મંદિરના પૂજારી મંદિર ન તૂટે તે માટે કામગીરી ચાલતી હતી ત્યાં વચ્ચે બેસી ગયા હતા. આ દરમિયાન તેમણે પોતાની જાતને ઈજા પહોંચાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી. યોગ્ય સમય ન આપ્યાનો આક્ષેપ: મંદિરના પૂજારી તરફથી આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે મંદિરને અન્ય જગ્યાએ ખસેડવા માટે તેમને પૂરતો સમય આપવામાં આવ્યો નથી. પૂજારીના કહેવા પ્રમાણે સાત દિવસમાં ઘર પણ બીજે ન ખસેડી શકાય તો મંદિર કઈ રીતે ખસેડવું? તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે આ પહેલા પણ રસ્તો બનતો હતો ત્યારે તેમણે મંદિરની જગ્યા રસ્તો બનાવવા માટે આપી હતી.