પ્રસૂતિ બાદ ઘરે જતી મહિલાઓની રીક્ષા તળાવમાં ખાબકતાં નવજાત સહીત ૩ બાળકોનાં મોત

37

દાહોદ નજીક નાનીકોડી ગામના સૂકી તળાવના ૩૦ ફૂટ ઊંડા કોતરમાં આજે સવારે રીક્ષા ખાબકતા નવજાત સહિત ૩ બાળકના મોત નીપજ્યા છે, જ્યારે ૩ મહિલાનો બચાવ થયો છે. ઘટનાની જાણ થતાં જ દાહોદ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને ફાયર બ્રિગેડની મદદ લઇને ત્રણેય બાળકોના મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યા હતા. દાહોદ તાલુકાના ચોસાલા ગામની ૨૫ વર્ષીય રંગલીબેન કાલસીંગ માવી નામની પ્રસૂતાને પ્રસવની પીડા ઉપડતા તેમના ગામની અન્ય બે મહિલાઓ તેમજ બે બાળકો સાથે રેટિયા પીએચસી સેન્ટર પર પ્રસૂતિ કરાવવા ગયા હતા. જ્યાં તેમને તંદુરસ્ત બાળકને જન્મ થતા તેઓના ઘરે પારણું બંધાતા પરિવારજનોમાં ખુશી છવાઇ ગઈ હતી,

ત્યારબાદ આજે સવારે ખાનગી રીક્ષા મારફતે પોતાના ઘરે ચોસાલા પરત ફરતી વેળાએ રસ્તામાં નાનીડોકી ગામે ૩૦ ફૂટ ઊંડા તળાવમાં રીક્ષા ખાબકી હતી. જેમાં નવજાત બાળક સહિત ત્રણ કમનસીબ બાળકો મોતને ભેટ્યા હતા તેમજ અન્ય ત્રણ મહિલાઓને બહાર કાઢીને ૧૦૮ મારફતે દાહોદની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. એક સાથે ત્રણ બાળકોના મોતને પગલે પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે

અને કલાકો પહેલા જ માતા બનેલી કમનસીબ મહિલાના નવજાત બાળકના મોતને પગલે ફરીથી નિ:સંતાન બની ગઇ હતી. જેને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી. જેથી ફાયર બ્રિગેડે ત્રણેય બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા અને પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.