રાજકોટ રક્તરંજીત બન્યું: 12 કલાકમાં એક જ પરિવારના 5નાં મોત

40

જંક્શન પ્લોટમાં પત્ની અને મામાજીની હત્યા કર્યા બાદ પતિએ બંને બાળકો સાથે અગ્નિસ્નાન કરી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, ત્રણેયના મોત

શહેરના જંક્શન પ્લોટ વિસ્તારમાં રૂખડીયા કોલોનીમાં જાહેરમાં ઈમરાન પઠાણ નામના યુવાને પત્ની નાઝીયા, તેના મામા નઝીર પઠાણ અને સાસુ ફિરોજાબેન પઠાણને છરીના ઘા ઝીંકી દીધા હતા. જેમાં નાઝીયા અને તેના મામા નઝીરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ફિરોજાબેનને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. આરોપી પતિ ઈમરાન પઠાણે પત્ની અને તેના મામાની હત્યા કર્યા બાદ બે બાળકો સાથે સળગીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી.

જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઈમરાન અને તેના પુત્ર-પુત્રીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતાં. જ્યાં આજે ત્રણેયના મોત નીપજ્યાં છે. ઈમરાન અને તેની પત્નીનો છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલતો હતો અને બાળકોની કસ્ટડી મામલે પત્ની અને તેના મામાની હત્યા કરી હોવાનું ખુલ્યું છે. ગઈકાલે શહેરના જંક્શન પ્લોટ વિસ્તારમાં રૂખડીયા કોલોનીમાં જાહેરમાં ઈમરાન પઠાણ નામના યુવાને પત્ની નાઝીયા, તેના મામા નઝીર પઠાણ અને સાસુ ફિરોજાબેન પઠાણને છરીના ઘા ઝીંકી દીધા હતા. જેમાં નાઝીયા અને તેના મામા નઝીરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પતિ ઈમરાન પઠાણે બે બાળકો સાથે અગ્નિસ્નાન કરી લેતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ત્રણેયના કરૂણ મોત નીપજ્યાં છે. આમ જ એક જ પરિવારના 5 સભ્યના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ઈમરાન પઠાણ અને તેની પત્ની નાઝીયા વચ્ચે પારિવારિક ઝઘડો ચાલતો હતો. આથી બંનેએ છૂટાછેટા લેવાનો નિર્ણય લીધો હતો. આ કેસ કોર્ટમાં ચાલતો હતો. પરંતુ બાળકોની કસ્ટડી કોણ લેશે તે મામલે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને કેસનો ખાર રાખી લોહિયાળ ખેલ ખેલાયો હતો. ઈમરાનની પત્નીએ 181 અભયમને બોલાવી હતી. તેનો ખાર રાખી બનાવ ડબલ મર્ડર સુધી પહોંચ્યો હતો. હત્યારા ઈમરાન પઠાણના સાસુ ફિરોજાબેન મુરમદભાઈ ફરિયાદી બન્યા છે. પોલીસ દ્વારા ફિરોજાબેનની પૂછપરછ કરવામાં આવી રહી છે. નાઝિયા પઠાણે 181 ટીમને ફોન કર્યો હતો એટલે ટીમ દોડી આવી હતી. બાદમાં નાઝીયા, તેના મામા નઝીર અને માતા ફિરોજાબેનને મહિલા પોલીસ સ્ટેશન બોલવવામાં આવ્યા હતા.

મહિલા પોલીસ સ્ટેશનથી બધા નીકળ્યા ત્યારે પાછળથી ઈમરાને છરી વડે હુમલો કરી દીધો હતો. રાજકોટ ઝોન 2ના DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આરોપીની ઓળખ ઇમરાન પઠાણ તરીકે થઈ હતી. તેને પત્ની સાથે ઝઘડો ચાલતો હતો. જો કે કોર્ટ દ્વારા સમાધાન થતા પત્ની પતિ સાથે રહેવા લાગી હતી. આ દરમિયાન પત્ની માતા પાસે આવી હતી. ત્યારે ઇમરાને હુમલો કરીને પોતાની પત્ની તેના મામા અને સાસુ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં પત્ની અને મામાનું મોત થયું હતું. જ્યારે સાસુ ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ઇમરાને પોલીસ સમક્ષ કેફિયત આપી હતી કે, પત્ની નાઝિયા અને મામાજી સસરા નાઝીરની હત્યા કરી બંને બાળકોને સાસુ પાસેથી છીનવી બાઇક પર થોરાળામાં પોતાના ઘરે જવા નીકળ્યો હતો, પોતે કૈસરે હિંદ પુલ પાસે પહોંચ્યો ત્યારે ચાલુ બાઇકે હત્યામાં ઉપયોગમાં લેવાયેલી છરી પુલ નીચે ફેંકી દીધી હતી. છરી કબજે કરવા પોલીસની ટીમ કૈસરે હિંદ પુલ નીચે તપાસમાં દોડી ગઇ હતી.