બાળલગ્ન અંગે હાઇકોર્ટે બાળકોના માતા-પિતાને ૩૦ હજારનો દંડ ફટકાર્યો

37

બાળલગ્નના એક કિસ્સામાં ગુજરાત હાઈકોર્ટે બંને બાળકોના માતા પિતાને ૩૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ કેસમાં સાસરીયાના ઘરે ગયેલ સગીર પત્નીએ તેના પતિ સામે મરજી વિરૂદ્ધ શારીરિક સંબંધ બાંધવાની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારે હાઈકોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે બંને બાળકોના વાલીને તેમના બાળકોનું બાળપણ બરબાદ કરવા માટે ફટકારવામાં આવ્યો છે.

હાઈકોર્ટે ફરિયાદ રદ્દ કરતા નોંધ્યું હતું કે કેસમાં સમાધાન થયું અને બંને પરિવારો વચ્ચે વધુ સ્થિતિ ન બગડે તેમજ અરજદાર પતિ અને પત્ની સારી રીતે જીવન ગુજારી શકે તેને ધ્યાનમાં રાખીને ફરિયાદ અને તેનાથી થતી કાર્યવાહી રદ કરવામાં આવે છે. કોર્ટ, રજીસ્ટ્રી સહિત અન્યનો સમય વ્યર્થ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે બંને અરજદાર પતિ અને ફરિયાદી પત્નીના માતા-પિતાને રૂ. ૩૦ હજાર દંડ ફટકાર્યો છે. કોર્ટે નોંધ્યું કે બાળકોનું નાનપણ બરબાદ કરવા બદલ બંનેના માતા-પિતાને દંડ ફટકારવામાં આવે છે. આ દંડ હાઈકોર્ટની રજીસ્ટ્રી સમક્ષ જમા કરાવવાનો આદેશ કર્યો હતો. મહત્વપૂર્ણ ચુકાદામાં નોંધવામાં આવ્યું હતું કે, આ દેશનો કાયદો માતા-પિતા સાથે તેમના બાળકોના અધિકારોનું પણ ધ્યાન રાખે છે. જો કે તેમની પ્રાથમિકતા બાળકોનું કલ્યાણ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના શબ્દોનું ચુકાદામાં વર્ણન કરતા નોંધ્યું હતું કે, સારા ઘરથી સારી કોઈ શાળા નથી અને સારા મા-બાપથી વધુ સારો કોઈ શિક્ષક નથી.

ઓગસ્ટ ૨૦૨૦ માસમાં સગીરા દ્વારા જામનગરના સિક્કા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવાઈ હતી કે તેમનાં લગ્ન ૭મી ફેબ્રુઆરી ૨૦૧૫નાં રોજ કરાવવામાં આવ્યાં હતાં. ૨૦૧૬માં જ્યારે તેના સાસરિયા ઘરે ગઈ ત્યારે તેના પતિએ તેની મરજી વિરૂદ્ધ બળજબરી શારીરિક સંબંધ બાંધ્યો હતો. બનાવ વખતે પત્નીની વય ૧૧ વર્ષ અને પતિની વય ૧૭ વર્ષ હતી. સગીર વયની પત્ની દ્વારા નોંધવામાં આવેલી રદ કરાવવા માટે અરજદાર પતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી હતી.