રાજકારણ:સંસદમાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું- છ માસમાં ચીન સરહદે કોઈ ઘૂસણખોરી નહીં, બહાર કોંગ્રેસે સવાલ કર્યો- ગલવાન ઘર્ષણ ચીનની જમીન પર થયું હતું?

ઉત્તર લદાખમાં ચીન સરહદે સર્જાયેલી તણાવયુક્ત સ્થિતિની સંસદમાં ચર્ચા નથી થઈ, પરંતુ આ મુદ્દો રાજકીય ચર્ચામાં તબદીલ થઈ ગયો છે. આશા હતી કે, બુધવારે સંરક્ષણ મંત્રી રાજ્યસભામાં પણ ચીન મુદ્દે સરકારનો પક્ષ રજૂ કરશે. તેમનો જવાબ તો ગુરુવાર સુધી ટળી ગયો હતો, પરંતુ તેનાથી વધુ ચર્ચા તો ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયના જવાબની રહી.

વાત એમ હતી કે, રાયે ગૃહમાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, છેલ્લા છ મહિનામાં ભારત-ચીન સરહદે કોઈ ઘૂસણખોરી નથી થઈ. તેમના આ નિવેદન પછી કોંગ્રેસે સંસદ બહાર પ્રહાર કર્યા. વિપક્ષે સરકાર પર આરોપ મૂક્યો કે, ગૃહમાં રાયે આપેલા જવાબથી, ગલવાન ખીણ ઘર્ષણમાં શહીદ થયેલા જવાનોનું અપમાન થયું છે. જો ચીન તરફથી ઘૂસણખોરી નથી થઈ, તો સરકાર એમ કહેવા માંગે છે કે, ભારતીય જવાનોએ એલએસીનું ઉલ્લંઘન કર્યું હતું?

સીમા પારની ઘૂસણખોરી મુદ્દે પૂછાયેલા એક પ્રશ્નના જવાબહમાં રાજ્યસભામાં ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું હતું કે, છ મહિનામાં ભારત-ચીન સરહદે ઘૂસણખોરીની કોઈ ઘટના નથી થઈ, પરંતુ આ જ ગાળામાં કાશ્મીરમાં ભારત-પાકિસ્તાન સરહદે ઘૂસણખોરીની 47 ઘટના સામે આવી છે. આ નિવેદન પછી કોંગ્રેસ રાજ્યસભા સભ્ય નાસિર હુસૈન અને પ્રવક્તા પવન ખેડાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સરકાર ચીનને ક્લિન ચીટ આપી રહી છે. આ તો ગલવાન ખીણમાં શહીદ થયેલા જવાનોનું જ નહીં, ત્યાં અત્યારે તહેનાત આપણા સૈનિકોનું પણ અપમાન છે.

ચીને પોતાની સેનાને યુદ્ધ માટે એલર્ટ કર્યું હતું
ગયા મહિનાના આખરી દિવસોમાં ભારતીય સેનાએ ચીનના સૈનિકોને ખદેડ્યા પછી ચીને તેની સેનાને યુદ્ધનું એલર્ટ આપ્યું હતું. સૂત્રોએ ચીનના અખબાર ‘સાઉથ ચાઈના પોસ્ટ’ના એક રિપોર્ટ પછી આ દાવો કર્યો હતો. જોકે, તેમાં એવું પણ કહેવાયું છે કે, રશિયાની રાજધાની મોસ્કોમાં બંને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે થયેલી બેઠક પછી આ એલર્ટ પાછુ ખેંચાયું હતું. રિપોર્ટ પ્રમાણે, આ એલર્ટનો અર્થ એ હતો કે, સરહદે વધુ સૈનિકો અને શસ્ત્રો તહેનાત કરાય તેમજ કમાન્ડરો, અધિકારીઓ, સૈનિકોનો યુદ્ધાભ્યાસ શરૂ કરી દેવાય.

દાવો: 20 દિવસમાં ચીન અને ભારત વચ્ચે ત્રણ વાર ફાયરિંગ
એલએસી પર બંને દેશ વચ્ચે છેલ્લા 20 દિવસમાં ફાયરિંગની ત્રણ ઘટના થઈ ચૂકી છે. આ દાવો એક મીડિયા રિપોર્ટમાં કરાયો છે. તેમાં સેનાના સૂત્રોના હવાલાથી કહેવાયું છે કે, પહેલી ઘટના 29થી 30 ઓગસ્ટ વચ્ચે, બીજી ઘટના સાત સપ્ટેમ્બરે મુખપરી ચોટી નજીક અને ત્રીજી ઘટના આઠ સપ્ટેમ્બરે પેંગોંગ ત્સો લેકના ઉત્તર કિનારે થઈ હતી.

ભારતીય સેના બોફોર્સ તોપ તૈયાર કરી રહી છે
એલએસી પર તણાવ ચરમસીમાએ છે. અનેક વિસ્તારોમાં તો બંને દેશના જવાબ માંડ 300 મીટરના અંતર સામસામે છે. આ સ્થિતિ જોતા ભારતે બોફોર્સ હોવિત્ઝર તોપોને ઓપરેશન માટે તહેનાત કરી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ તોપોના નિરીક્ષણ માટે એક ટુકડીએ લદાખની પણ મુલાકાત લીધી હતી. 1980ના દસકાના મધ્યથી ભારત પાસે બોફોર્સ તોપ છે.

કોંગ્રેસે કહ્યું- 20 જવાનોની શહીદીના 4 દિવસ પછી કેન્દ્રએ દુશ્મન ચીનની બેન્ક પાસેથી લોન લીધી… કોંગ્રેસ આરોપ મૂક્યો છે કે, સરકારે ગૃહમાં સ્વીકાર્યું છે કે ભારતે બેજિંગ સ્થિત એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેન્ક પાસેથી રૂ. 9,202 કરોડની લોન લીધી, જ્યારે 19 જૂને રૂ. 5,521ની બીજી લોન લીધી. આ લોન ગલવાન ખીણના ઘર્ષણના ચાર દિવસ પછી લેવાઈ હતી, જેમાં ભારતના 20 જવાન શહીદ થયાહતા. જોગાનુજોગ એ જ દિવસે પીએમ મોદીએ કહ્યું હતું કે, ચીનનો કોઈ સૈનિક આપણી સરહદમાં ઘૂસ્યો ન હતો.

રાહુલનો પ્રહાર: મોદી સરકાર ભારતીય સેના સાથે છે કે પછી ચીન સાથે
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, તમે ક્રોનોલોજી સમજો, પીએમએ કહ્યું કે, સરહદમાં કોઈ નથી ઘૂસ્યું, પછી ચીન સ્થિત બેન્ક પાસેથી લોન લીધી, પછી સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, ચીને ઘૂસણખોરી કરી હતી, હવે ગૃહ રાજ્યમંત્રી કહે છે કે, ઘૂસણખોરી નથી થઈ. આખરે મોદી સરકાર ભારતીય સેના સાથે છે કે ચીન સાથે?