કારગીલ યુદ્ધ વખતે અમારા સૈન્ય પાસે પૂરતો ખોરાક કે હથિયાર સુદ્ધાં ન હતાં

નવાઝ શરીફે પાકિસ્તાનની પોલ ખોલી

પાકિસ્તાનની ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ ૧૧ પક્ષના વિપક્ષી ગઠબંધન પીડીએમની ત્રીજી રેલી રવિવારે બલુચિસ્તાનના ક્વેટામાં યોજાઈ હતી. મોબાઈલ ફોન સેવા બંધ અને મજબૂત સુરક્ષા વચ્ચે યોજાયેલી આ રેલીને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે વિડિયો-કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધતાં કારગિલ યુદ્ધ અંગે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. નવાઝે કહૃાું હતું કે કારગિલ યુદ્ધમાં સૈનિકો પાસે પૂરતાં હથિયારો નહોતાં, પણ અમુક જનરલોએ જવાનોને યુદ્ધ મેદાને ઉતારી દીધા.

કારગિલ યુદ્ધ દરમિયાન નવાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન હતા. શરીફે તત્કાલીન સૈન્ય પ્રમુખ પરવેઝ મુશર્રફ પર સાંકેતિકરૂપે પ્રહાર કર્યા હતા. તેમણે કહૃાું હતું કે કારગિલમાં અમારા સેંકડો જવાનોને શહીદ કરાવવા અને પાકિસ્તાનને દૃુનિયામાં શરમમાં મૂકવાનો નિર્ણય સૈન્યનો નહોતો, પણ અમુક જનરલોનો હતો, જેમણે સૈન્યને જ નહીં, દેશની કોમને એવા યુદ્ધમાં ભરાવ્યું હતું, જેમાં કોઈને ફાયદો ન થયો.

નવાઝ શરીફે વર્તમાન સૈન્ય પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા પર જનાદેશ ચોરી કરવાનો આરોપ મૂક્યો અને કહૃાું હતું કે તેમણે ઈમરાન ખાનને પ્રજાના મેન્ડેટ વિરુદ્ધ જઈને વડાપ્રધાન બનાવ્યા છે. સપ્ટેમ્બર ૨૦૨૦માં ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ પાકિસ્તાનનાં મોટા વિપક્ષી દળોએ પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ(પીડીએમ)ની રચના કરાઇ હતી.