આદેશ:સુદર્શન ટીવીના ‘બિંદાસ બોલ’ કાર્યક્રમ પર સુપ્રીમકોર્ટની રોક, કહ્યું- આ ઉન્માદ સર્જતો, મુસ્લિમ સમુદાયને અપમાનિત કરતો કાર્યક્રમ

સુપ્રીમકોર્ટે સુદર્શન ટીવી ચેનલના ‘બિંદાસ બોલ’ કાર્યક્રમના 5 એપિસોડ પ્રસારિત કરવા પર મંગળવારે આગામી સુનાવણી સુધી રોક લગાવી દીધી છે. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની 3 જજની બેન્ચે કહ્યું કે પ્રથમદર્શી રીતે એવું લાગે છે કે આ કાર્યક્રમ મુસ્લિમ સમુદાયને અપમાનિત કરનારો, ઉન્માદ સર્જનારો છે. કોર્ટે એમ પણ કહ્યું કે અમે 5 સભ્યની સમિતિ રચવાની તરફેણમાં છીએ, જે ઇલેક્ટ્રોનિક મીડિયા માટે અમુક ચોક્કસ માપદંડ નક્કી કરી શકે. કોર્ટ ફિરોઝ ઇકબાલ દ્વારા કરાયેલી જાહેર હિતની અરજી અંગે સુનાવણી કરી રહી હતી. વધુ સુનાવણી 17 સપ્ટેમ્બરે થશે.

ચેતવ્યા પણ: ચેનલ ટીઆરપીના ચક્કરમાં સનસની ફેલાવે છે સુનાવણી દરમિયાન ચેનલ વતી શ્યામ દીવાન, અરજદાર વતી અનૂપ જ્યોર્જ અને સોલિસિટર જનરલ તુષાર મેહતા હાજર હતા. મેહતાએ બેન્ચને કહ્યું કે પત્રકારોની સ્વતંત્રતા સર્વોચ્ચ છે. આ અંગે કોર્ટે કહ્યું કે તમે એમ ન કહી શકો કે પત્રકારોને આમ કરવાની પૂર્ણ સ્વતંત્રતા છે. સુપ્રીમકોર્ટે આ કાર્યક્રમ વિરુદ્ધ દાખલ થયેલી અરજી અંગે સુનાવણી દરમિયાન કહ્યું કે કેટલાક મીડિયા હાઉસના કાર્યક્રમોમાં થતી ડિબેટ ચિંતાનો વિષય છે, કેમ કે તેમાં આ પ્રકારની માનહાનિકારક વાતો કહેવાઇ રહી છે.

ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સમસ્યા ટીઆરપી અંગે છે અને આ રીતે વધુમાં વધુ સનસનીખેજ થઇ જાય છે તો ઘણી બાબતો અધિકારના રૂપમાં સામે આવે છે. ચેનલના વકીલ દીવાને કહ્યું કે ચેનલ આને દેશહિતમાં એક ઇન્વેસ્ટિગેટિવ સમાચાર માને છે. આ અંગે બેન્ચે દીવાનને કહ્યું, તમારા અસીલ દેશનું અહિત કરી રહ્યા છે અને એવું સ્વીકારતા નથી કે ભારત વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ ધરાવતો દેશ છે. તમારા અસીલે તેમના આઝાદીના અધિકારનો ઉપયોગ સાવધાની સાથે કરવો જોઇએ.