ચીન સીમા વિવાદ પર સંસદમાં રક્ષા મંત્રી:રાજનાથે કહ્યું- ચીને LAC અને તેના વિસ્તારમાં મોટા પ્રમાણમાં સેના અને ગારૂગોળો જમા કર્યો, આપણી સેના પણ તૈયાર

કોરોના વચ્ચે સંસદના પ્રથમ સત્ર (મોન્સૂન)નો આજે બીજો દિવસ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ ચીન સાથેના સરહદ વિવાદ મુદ્દે આજે લોકસભામાં નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશવાસીઓ પોતાના વીર જવાનો સાથે છે. મેં લદાખ જઈને આપણા શૂરવીરો સાથે સમય વિતાવ્યો છે અને તમને એ જણાવવા માગું છું કે મેં તેમનાં સાહસ અને શૌર્યને અનુભવ્યાં છે. કર્નલ અને તેમના વીર સાથીઓએ પોતાનું બલિદાન આપ્યું છે.

સદન જાણે છે કે ભારત-ચીનની સરહદનો પ્રશ્ન હજુ ઉકેલાયો નથી. ભારત-ચીનની સરહદનું ટ્રેડિશનલ એલાયનમેન્ટ ચીન માનતું નથી. બન્ને દેશ ભૌગોલિક સ્થિતિઓથી અવગત છે. ચીન માને છે કે ઈતિહાસમાં જે નક્કી થયું એ વિશે બન્ને દેશની અલગ-અલગ વ્યાખ્યા છે. બન્ને દેશો વચ્ચે સમાધાન નીકળી શક્યું નથી.

લદાખના વિસ્તારો ઉપરાંત ચીન અરુણાચલ પ્રદેશની સરહદથી 90 હજાર વર્ગ કિલોમીટર વિસ્તારને પોતાનો બતાવ્યો છે. સરહદનો વિવાદ જટિલ મુદ્દો છે. એમાં ધીરજની જરૂરિઆત છે. શાંતિપૂર્ણ વાતચીતથી સમાધાન નીકળવું જોઈએ. બન્ને દેશે માની લીધું છે કે સરહદ ઉપર શાંતિ જરૂરી છે.

રાજનાથના ભાષણની મહત્ત્વની વાત

  • રાજનાથ સિંહે કહ્યું હતું કે બન્ને દેશ વચ્ચે ઘણા પ્રોટોકોલ છે. બન્ને દેશે માન્યું છે કે LAC પર શાંતિ જાળવવી જોઈએ. LAC પર કોઈપણ પ્રકારની ગંભીર સ્થિતિની બન્ને દેશના સંબંધો પર ગંભીર અસર પડશે. છેલ્લી સમજૂતીમાં એ ઉલ્લેખ છે કે બન્ને દેશ LAC પર ઓછામાં ઓછી સેના રાખશે અને જ્યાં સુધી સરહદ વિવાદનું સમાધાન ન નીકળે ત્યાં સુધી LACનું સન્માન કરશે. 1990થી 2003 સુધી બન્ને દેશે LACને લઈને પરસ્પર સમજૂતી સ્થાપવાની કોશિશ કરી. પરંતુ ચીને એનાથી આગળ સહમતી દેખાડી નહોતી. એને કારણે LACને લઈને મતભેદ છે.
  • હું એ પણ જણાવવા માગું છું કે સરકારની વિભિન્ન ઈન્ટેલિજન્સ એજન્સીઓ વચ્ચે સંકલન છે. ટેક્નિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સને ભેગા કરાયા છે. પછી સશસ્ત્ર દળોને એ માહિતી પૂરી પડાય છે.
  • એપ્રિલથી પૂર્વ લદાખની સરહદ પર ચીનની સેનામાં વધારો કરાયો છે. ગલવાન ઘાટીમાં ચીને આપણી ટ્રેડિશનલ પેટ્રોલિંગ પેટર્નમાં દખલ કરી. એનું સમાધાન લાવવા માટે અલગ-અલગ સમજૂતી અને પ્રોટોકોલ લેવલની વાતચીત કરાઈ રહી હતી. મે મહિનામાં ચીને ઘણા વિસ્તારોમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી, એમાં પેન્ગોંગ લેક લેક સામેલ છે.
  • આપણી સેનાને આ કોશિશનો સમયસર ખ્યાલ આવી ગયો અને જરૂરી કાર્યવાહી કરી. અમે ચીનની ડિપ્લોમેટિક અને મિલિટ્રી ચેનલના માધ્યમથી એ જણાવી દીધું કે તમે વર્તમાન સ્થિતિને એકતરફી ફેરફાર કરવાની કોશિશ કરી રહ્યા છો, જે અમને કોઈપણ સંજોગોમાં મંજૂર નથી.
  • બન્ને દેશે 6 જૂનના રોજ બેસીને એ નક્કી કર્યું કે બન્ને દેશ સેનાની તહેનાતી ઓછી કરશે, પરંતુ ચીને હિંસક અથડામણ કરી. આપણા બહાદુર જવાનોએ બલિદાન આપ્યું અને ચીનને ભારે નુકસાન પહોંચાડ્યું. આપણા જવાનોએ જ્યાં સંયમની જરૂર હતી ત્યાં સંયમ અને જ્યાં શોર્યની જરૂર હતી ત્યાં શૌર્ય દેખાડ્યું હતું.

ચીન સાથે ત્રણ મુદ્દા પર વાતચીત થઈ
રક્ષામંત્રીએ જણાવ્યું હતું કે ચીન સાથે ડિપ્લોમેટિક અને મિલિટ્રી લેવલની વાતચીત ત્રણ મુદ્દા આધારિત રહી
1. બન્ને દેશ LAC નું કડકાઈથી પાલન કરે.
2. વર્તમાન સ્થિતિનું કોઈ ઉલ્લંધન ન કરે.
3. તમામ સમજૂતી અને અરસપરસની સમજનું પાલન થવું જોઈએ.

રાજનાથે જણાવ્યું કે ચીનનો સામનો કરવા આપણી સેના તૈયાર
તેમણે જણાવ્યું હતું કે ચીને દક્ષિણ પેન્ગોંગ લેકમાં 29-30 ઓગસ્ટના રોજ બીજીવાર ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો અને વર્તમાન સ્થિતિને બદલવાનો પ્રયાસ કર્યો, પરંતુ આપણા જવાનોએ એ પ્રયાસને નિષ્ફળ કર્યો હતો. ચીન મોટી સંખ્યામાં જવાનોને તહેનાત કરી 1993 અને 1996ની સમજૂતીનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ચીને સમજૂતીનું સન્માન કર્યું નથી. તેની કાર્યવાહીથી LAC પર અથડામણની સ્થિતિ સર્જાય છે. વર્તમાન સ્થિતિમાં ચીને LAC અને તેના વિસ્તારમાં મોટી સંખ્યામાં સેના અને દારૂગોળાને એકત્ર કરી રહ્યું છે. અમે પણ જવાબી પગલાં ભર્યાં છે.

હું સદનને વિશ્વાસ અપાવવા માગું છું કે આપણી સેના પડકારનો સામનો કરશે. અમને સેના પર ગર્વ છે. હાલની સ્થિતિમાં સંવેદનશીલ મુદ્દા સામેલ છે એટલે વધારે ખુલાસો નહીં કરી શકું.