સ્કૂલો ખોલવા બાબતે વાલીઓની લેખિત સહમતિ અંગે શિક્ષણ મંત્રીએ કરી સ્પષ્ટતા

૧૧ નવેમ્બરના રોજ સરકાર તરફથી ગુજરાતમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે પ્રમાણે આગામી ૨૩મી નવેમ્બરથી રાજ્યમાં સ્કૂલો અને કૉલેજોમાં ખુલશે. જોકે, સ્કૂલો તેમજ વિદ્યાર્થીઓએ આ માટે કેન્દ્ર સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી એસઓપીનું પાલન કરવું પડશે. સરકાર તરફથી ભૂપેન્દ્રસિંહે જાહેરાત કરતા એવું પણ જણાવ્યું હતું કે બાળકોને સ્કૂલે મોકલવા માંગતા વાલીઓએ આ માટે એક સહમતિ પત્ર ભરીને આપવું પડશે. સરકારી એવી જાહેરાત બાદ વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી. બાળકોના વાલીઓ તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે સહમતિ પત્ર ભરાવીને સરકાર અને સ્કૂલના સંચાલકો પોતાની જવાબદારીમાંથી છટકી રહૃાા છે. આ મામલે આખા રાજ્યમાં ઉહાપોહ થયો છે. આ મામલે આજે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહે સ્પષ્ટતા કરી છે.

સહમતિ પત્ર મામલે સરકારે આજે સ્પષ્ટતા કહી છે કે ભારત સરકારની એસઓપી પ્રમાણે જ વાલીઓની સહમતિ લેવામાં આવી રહી છે. બાળકોની સુરક્ષા સાથે કોઈ જ બાંધછોડ નહીં કરવામાં આવે. સરકાર પોતાની જવાબદારીમાંથી બિલકુલ છટકવા નથી માંગતી. બાળકોની સુરક્ષા એ સરકાર, સ્કૂલ સહિત આપણા તમામની જવાબદારી છે. ભારત સરકારની ગાઇડલાઈનમાં લેખિતની સહમતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દેશમાં જે પણ રાજ્યમાં સ્કૂલો ખુલી છે ત્યાં આ પ્રકારની જ સહમતિ લેવામાં આવી રહી છે.

ભુપેન્દ્રસિંહના કહેવા પ્રમાણે ગુજરાત પ્રથમ એવું રાજ્ય નથી જ્યાં સ્કૂલો ખૂલી છે. આ પહેલા હરિયાણા, જમ્મુ-કાશ્મીર, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને બિહાર રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં સ્કૂલો ખુલી છે. પંજાબ, હિમાચાલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ઓક્ટોબરમાં સ્કૂલો શરૂ થઈ છે. આંધ્ર પ્રદેશમાં નવેમ્બરમાં સ્કૂલો ખુલી છે. તાલિમનાડુમાં ૧૬મી તારીખથી સ્કૂલો ખૂલશે જ્યારે મહારાષ્ટ્રમાં આપણી સાથે એટલે કે ૨૩મી નવેમ્બરના રોજ સ્કૂલો ખૂલશે. જ્યાં પણ સ્કૂલો ખુલી છે ત્યાં અભ્યાસક્રમ ચાલુ છે. ક્યાંક સ્કૂલો બંધ નથી કરવામાં આવી.